એશિયન એરગન શૂટિંગ : સૌરભ અને મનુએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો

તાઈપેઈ, તા.૨૭

એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સૌરભ વર્મા અને મનુ ભાકેરની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઈવેન્ટમાં નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ સાથે મેડલટેલિમાં ભારતે ગોલ્ડન શરૃઆત કરી દીધી છે. 

મનુ અને સૌરભની જોડીએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ૭૮૪ નો સ્કોર કર્યો હતો અને પાંચ દિવસ પહેલા જ રશિયાની વિતાલીના બાત્સારાખ્કીના અને એર્ટમ ચેર્નોસોવે નોંધાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. 

આ પછી ફાઈનલમાં પણ તેમણે શાનદાર દેખાવ જારી રાખ્યો હતો અને ૪૮૪.૮ના નવા વિશ્વકીર્તિમાન સાથે સુવર્ણ સફળતા હાંસલ કરી લીધી હતી. 

સાઉથ કોરિયાના હ્વાંગ સેઓન્ગન અને કિમ મોસેને સિલ્વર મેડલ મળ્યો હતો. તેઓએ ૪૮૧.૧ નો સ્કોર નોંધાવ્યો હતો. જ્યારે વુ ચીએ યીંગ અને કોઉ કુએન-ટિંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તેમણે ૪૧૩.૩નો સ્કોર નોંધાવ્યો હતો. 

ફાઈનલમાં ભારતની બે જોડીઓએ પ્રવેશ મેળવ્યો હતો. સૌરભ અને મનુની જોડીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે ભારતની જ અનુરાધા અને અભિષેક વર્માની જોડી ૩૭૨.૧ના સ્કોર સાથે ચોથા ક્રમે રહી હતી.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uvsszk
via Latest Gujarati News

Post a Comment

0 Comments