આજે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને મુંબઈ ઈન્ડિયન આમને-સામને

બેંગાલુરુ, તા.૨૭

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાર સાથે નિરાશાજનક શરૃઆત કર્યા બાદ આવતીકાલે પ્રવાસી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ યજમાન બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે ટકરાશે, ત્યારે બંને ટીમોની નજર જીતનું ખાતું ખોલાવવા તરફ રહેશે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે આઇપીએલની બારમી સિઝનના સૌપ્રથમ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સની સુપરપાવર ટીમે કોહલીની આગેવાની હેઠળના બેંગ્લોરને પરાસ્ત કર્યું હતુ. 

હવે બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવવા માટે ઉત્સુક છે. બેંગ્લોરની ટીમ હોમગ્રાઉન્ડ પર રમી રહી હોવાથી ભારે આત્મવિશ્વાસ સાથે ઉતરશે. જોકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ બુમરાહે મેળવેલી ફિટનેસને કારણે ઉત્સાહિત છે અને આવતીકાલે તે મેદાનમાં ઉતરશે તે નક્કી મનાય છે. 

બેંગ્લોરના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી આ મેગા મુકાબલાનો પ્રારંભ થશે. 

રોહિતને બેટ્સમેનોના ફોર્મની આશા

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને બેટ્સમેનોના શાનદાર ફોર્મની આશા છે. દિલ્હી સામેની પ્રથમ મેચમાં કેપ્ટન રોહિત ખાસ કમાલ દેખાડી શક્યો નહતો. યુવરાજે એકલા હાથે સંઘર્ષ કરતાં અડધી સદી ફટકારી હતી. જોકે બાકીના બેટ્સમેનો તેને સાથ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. હવે બેંગ્લોર સામેના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને રોહિત અને ડી કૉકની જોડીની આક્રમક શરૃઆતની આશા છે. મીડલ ઓર્ડરમાં પોલાર્ડ, કૃણાલ અને હાર્દિક પંડયા તેમજ બૅન કટિંગ આગવા અંદાજમાં બેટીંગ કરતાં જોવા મળે તો મુંબઈને અટકાવવું બેંગ્લોર માટે પડકારજનક બની શકે છે. 

બેંગ્લોર સિઝનની નવેસરથી શરૃઆત કરવા તૈયાર

કોહલીની કેપ્ટન્સી હેઠળની બેંગ્લોરની ટીમમાં ડી વિલિયર્સ, હેતમાયેર, ગ્રાન્ધોમ, મોઈન અલી જેવા બેટ્સમેનો હોવા છતાં તેઓ ચેન્નાઈ સામે માત્ર ૭૦ રનમાં જ ખખડી ગયા હતા. આઇપીએલની સૌપ્રથમ મેચ માટેની પીચ મુશ્કેલ હતી પણ આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર્સનો આ હદનો ફ્લોપ શો ટીમના આત્મવિશ્વાસને ફટકો પહોંચાડે તેવો રહ્યો હતો. જોકે કોહલીને આશા છે કે, હોમ ગ્રાઉન્ડ પરના મુકાબલામાં તેમના બેટસમેનો અગાઉની જેમ ભારે જોશ અને ઉત્સાહ સાથે રમતા જોવા મળી શકે છે. 

મુંબઈ અને બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારોની શક્યતા

મુંબઈ અને બેંગ્લોરની ટીમને તેમની આઇપીએલની સૌપ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. આ પછી બંને ટીમોએ તેમની વ્યુહરચના અંગે ફેરવિચારણા હાથ ધરી હોવાનું મનાય છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માલિંગાના પુનરાગમનને કારણે વધુ મજબુત બની છે. આ ઉપરાંત સ્પિનર મયંક માર્કન્ડેયને પણ પ્લેઈંગ ઈલેવનમાં ફરી સ્થાન આપવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. 

બેંગ્લોરની ટીમ પણ શિવમ દુબેના સ્થાને પવન નેગી કે આકાશદીપ નાથને અજમાવી શકે છે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર જેવા મેચ વિનર સાબિત થઈ શકે તેવા સ્પિનરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HYWt2z
via Latest Gujarati News

Post a Comment

0 Comments