
નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઓનલાઇન મૈ ભી ચોકીદાર કેમ્પેઇનમાં જોડાવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે હું મારા નામની આગળ ચોકીદાર નહીં લગાઉ. નામની આગળ ચોકીદાર ન લગાવવાનું કારણ જોકે સ્વામીએ વિચિત્ર આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે હું બ્રાહ્મણ છું તેથી નામની આગળ ચોકીદાર ન લગાવી શકું.
સાથે સ્વામીએ એમ પણ કહ્યું હતું કે હુ મારા નામની આગળ ચોકીદાર તો ન લગાવી શકું પણ ચોકીદારે કેવા કામ કરવા જોઇએ તેનો આદેશ હુ જરુર આપી શકું. સ્વામીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે કોંગ્રેસ આરોપો લગાવી રહી છે કે પોતાને દેશના ચોકીદાર ગણાવતા મોદી ચોર છે. આ આરોપો માટે કોંગ્રેસે ચોકીદાર ચોર હૈનો નારો પણ ચગાવ્યો હતો. જ્યારે બીજી તરફ મોદીએ પોતાના બચાવમાં મૈ ભી ચોકીદાર નારો આપ્યો જેની પણ ભારે ચર્ચા થવા લાગી. મોદીએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર પણ લગાવી દીધુ તે બાદ ભાજપના અનેક નેતાઓ પણ પોતાના નામની આગળ ચોકીદાર લગાવી દીધુ છે.
જોકે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચોકીદાર લગાવવાની નામ પાડી દીધી હતી. એક દિવસ પહેલા જ તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કે અરુણ જેટલી બેમાંથી કોઇને પણ અર્થશાસ્ત્રનું જ્ઞાાન નથી. ત્યારે હવે કહી રહ્યા છે કે હું નામની આગળ ચોકીદાર નહીં લગાઉ કેમ કે હું બ્રાહ્મણ છું, હું ચોકીદારને આદેશ જરુર આપીશ કે તેણે શું કરવું જોઇએ.
હાલ મોદી ચોકીદાર મુદ્દે કેમ્પેઇન ચલાવી રહ્યા છે અને તેમાં ભાજપના અનેક નેતાઓ પણ જોડાયા છે આવી સ્થિતિમાં સુબ્રમણ્યમ સ્વામીએ લોકસભાની ચૂંટણી પહેલા જ ચોકીદાર કેમ્પેઇનને ફટકો આપ્યો છે, જેથી ભાજપ પણ હવે મુશ્કેલીમાં મુકાયું છે.
સ્વામીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. સ્વામીએ સ્પષ્ટ રીતે ચોકીદાર બનવાની ના પાડી દીધી હતી. તેઓ પોતાના આ પ્રકારના નિવેદનો માટે જાણીતા છે. અગાઉ અનેક વખત તેઓ જેટલીની ખુલ્લેઆમ ટીકા કરી ચુક્યા છે. સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે એ હકીકત છે કે બ્રાહ્મણો ચોકીદાર ન બની શકે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OqkEIn
via Latest Gujarati News
0 Comments