પાંચ વર્ષમાં બધા કામ પુરા કર્યા છે તેવો દાવો નહીં કરું : વડાપ્રધાન મોદી


હું ફરી સત્તામાં આવીશ તો બાકી રહી ગયેલા કામો પુરા કરીશ, એક તરફ દમદાર ચોકીદાર છે તો બીજી તરફ વિપક્ષની મહામિલાવટ : વડા પ્રધાન 

અત્યાર સુધીની સરકારોએ ભારતને વિશ્વની સામે માત્ર પીડિત તરીકે જ દર્શાવ્યું હોવાનો દાવો  

નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે તેમણે પાંચ વર્ષમાં કોઇ જ વચન પુરુ નથી કર્યું, આ આરોપો વચ્ચે નરેન્દ્ર મોદીએ પહેલી વખત પોતાની કામગીરી અંગે વાત કરતા જણાવ્યુ હતું કે હું એવા દાવા નહીં કરુ કે મે પાંચ વર્ષમાં દરેક કામ પુરુ કરી લીધુ છે. જ્યારે ૭૦ વર્ષનુ શાસન કરનારાઓ આ દાવા નથી કરી શકતા તો હું કેમ કરી શકું. 

મોદીએ સાથે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઘણા કામો અધુરા રહી ગયા છે, તેમણે આગળ જણાવ્યું હતું કે હું બાકી રહી ગયેલા કામો પુરા કરવા માટે જ એક વખત ફરી જનતાના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. મોદીએ આ નિવેદન આસામમાં ભાજપની પ્રચાર રેલીમાં કર્યું હતું, સાથે તેમણે વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. 

આસામ ઉપરાંત મોદી અરુણાચલ પ્રદેશમાં પણ પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આલોમાં એક જનસભાને સંબોધી હતી, મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે કોંગ્રેસની ભ્રષ્ટાચાર સાથે હંમેશા સાંઠગાંઠ રહી છે. અમે ભલાઇ માટે કામ કરીએ છીએ જ્યારે કોંગ્રેસ મલાઇ માટે કામ કરે છે.

મોદીએ કહ્યું કે ભારતે અંતરિક્ષમાં પોતાની ક્ષમતાને વધારી, અંતરિક્ષમાં જઇને જીવીત સેટેલાઇટને તોડી પાડયો, આવંુ કરનારો ભારત ચોથો દેશ બન્યો, તમને આ વાતથી ખુશી થશે પણ કોંગ્રેસીઓની આંખમાં આંસુ આવી રહ્યા છે. કોંગ્રેસે એવી સરકાર ચલાવી કે જેણે ભારત જેવા વિરાટ દેશની ઓળખ પણ પીડિત દેશ જેવી બનાવી દીધી. 

મોદીએ ૨૦૧૪માં ચા વાળા તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ફરી તેમણે ચાના ઉત્પાદન માટે જાણીતા આસામમાં આ અંગે નિવેદન આપ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ તો ચા વાળાઓથી પણ ઘબરાઇ ગઇ છે. આસામમાં ચા ઉગાવવા વાળાથી લઇને ચા વેચનારાઓ માટે કોંગ્રેસે કોઇ જ કામ નથી કર્યું અને દસકા સુધી તેમના પર ધ્યાન ન આપ્યું, જોકે આ ચાવાળો તમારા જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

આસામમાં મોદીએ ગેરકાયદે ઘુસતા લોકો અંગે પણ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગેરકાયદે સ્થળાંતરો અને આતંકીઓથી આ દેશ ત્યારે જ મુક્ત થઇ શકે છે જ્યારે સત્તામાં ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર હોય. એક તરફ દમદાર ચોકીદાર છે જ્યારે બીજી તરફ વિપક્ષોની મહા મિલાવટ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TKkBs1
via Latest Gujarati News

Post a Comment

0 Comments