કપાસમાં ભાવવધારાથી ટેકસટાઈલ કંપનીઓના માર્જીન પર દબાણ આવવાની સંભાવના

મુંબઈ, તા. 30 માર્ચ, 2019 શનિવાર

કપાસના ઊંચા ભાવ દેશના ટેકસટાઈલ તથા એપરલ ઉદ્યોગના માર્જીન પર દબાણ લાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે કારણ કે માગ નબળી રહેતા ઉત્પાદકો ખર્ચમાં થયેલો વધારો ગ્રાહકો પર પસાર કરી શકે એમ નથી.

ગયા વર્ષે નીચા ઉત્પાદનને કારણે કપાસના ભાવમાં એકલા માર્ચમાં ૬ ટકાનો વધારો થયો છે. ટેકસટાઈલ તથા એપરલ ઉત્પાદન માટે કપાસ એક મુખ્ય કાચો માલ છે. 

માર્ચના પ્રારંભમાં બેન્ચમાર્ક કોટનનો ભાવ જે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૧૬૯૮ બોલાતો હતો તે હાલમાં વધીને રૂપિયા ૧૨૩૭૩ બોલાઈ રહ્યો છે. આ કુદરતી ફાઈબરના ભાવમાં વધારો જળવાઈ રહેશે એવી બજારની ધારણાં છે. કોટન યાર્નના ભાવ પણ માર્ચમાં ૬થી ૮ ટકા જેટલા વધ્યા છે.

ટેકસટાઈલ ક્ષેત્રમાં ઊંચી ગુણવત્તાના કપાસનો ઉપયોગ કરવામાં આવે છે અને ગારમેન્ટ માટે તેની આયાત કરવી પડે છે. ૨૦૧૮-૧૯માં દેશનું કપાસનું ઉત્પાદન ૫૯ લાખ ટન રહેવાનો અંદાજ છે જે ગયા વર્ષે ૬૩ લાખ ટન રહ્યું હતું. 

કોટન તથા યાર્ન બન્નેના ભાવમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થયો છે પરંતુ ફેબ્રિકની કિંમતોમાં આ પ્રમાણમાં વધારો થયો નથી જેને કારણે ટેકસટાઈલ કંપનીઓના માર્જીન પર દબાણ પડવાનું નિશ્ચિત છે એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું. 

આ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટવા ઉપરાંત તેની ગુણવત્તા પણ નબળી રહી છે. ટેકસટાઈલ ઉદ્યોગ બેથી ત્રણ ટકાના પાતળા માર્જીને કામ કરે છે, ત્યારે ઉત્પાદન ખર્ચમાં વધારાથી તેમના માર્જીન પર દબાણ આવશે એવો પણ દાવો કરાઈ રહ્યો છે. 

સામાન્ય રીતે આ સમયગાળામાં ટેકસટાઈલની મોસમી માગ નીકળી જતી હોય છે પરંતુ હાલમાં કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ અને ખર્ચવા માટે નાણાંની ઓછી ઉપલબ્ધતાને ુપરિણામે ટેકસટાઈલ માટેની માગ નીચી રહી છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V2HFn7
via Latest Gujarati News

Post a Comment

0 Comments