હૈદરાબાદ, તા.૩૦
ભારતીય કેપ્ટન કોહલીની બેંગ્લોરની ટીમ આવતીકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવા ઉતરશે, ત્યારે તેમની નજર આઇપીએલની ૧૨મી સિઝનમાં સૌપ્રથમ વિજય મેળવવા તરફ રહેશે. નિયમિત કેપ્ટન વિલિયમસનના પુનરાગમન સાથે જ હૈદરાબાદે ભારે આત્મવિશ્વાસ બતાવતા રાજસ્થાન સામે ૧૯૯ના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. હવે તેઓ સતત બીજી જીત મેળવવા માટે ઉત્સુક છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે સાંજે ૪.૦૦ વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે.
ધરખમ બેટ્સમેનો વચ્ચેની ટક્કર : હાઈસ્કોરિંગ રહે તેવી શક્યતા
હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચેના મુકાબલામાં દિગ્ગજ બેટ્સમેનો તેમના કૌશલ્યનું પ્રદર્શન કરશે તો ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે તે નક્કી મનાય છે. હૈદરાબાદની ટીમમાં ઓસ્ટ્રેલિયાનો કમબૅક મેન વોર્નર જોરદાર ફોર્મમાં છે, આ ઉપરાંત વિલિયમસન, વિજય શંકર, બેરસ્ટો, મનીષ પાંડે, યુસુફ પઠાણ, સાહા જેવા બેટસમેનો જબરજસ્ત દેખાવ કરવા માટે ઉત્સુક છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં કેપ્ટન કોહલીની સાથે સાથે ડી વિલિયર્સ જેવો ઈન ફોર્મ બેટ્સમેન છે. ઉપરાંત હેતમાયેર, શિવમ દુબે, ગ્રાન્ધોમ, મોઈન અલી, પાર્થિવ પટેલ, જેવા બેટસમેનો છે, જે મેચનું પાસું પલ્ટી નાંખી શકે છે.
રાશિદ વિ. ચહલ
બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ ટીમમાં દિગ્ગજ સ્પિનર ચહલ તેની જાદુઈ બોલિંગને સહારે હૈદરાબાદના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. જ્યારે ટીમમાં સાઉથી, ઉમેશ યાદવ, સિરાજ અને સૈની જેવા બોલરો છે. સ્ટોઈનીસ અને કોયુલ્ટર-નાઈલની ખોટ બેંગ્લોરને પડી રહી છે.
હૈદરાબાદના મદાર અફઘાનિસ્તાનના ટી-૨૦ સ્પેશિયાલીસ્ટ સ્પિનર રાશિદ પર ટકેલો છે. વધુમાં ફાસ્ટર ભુવનેશ્વર કુમાર, બાંગ્લાદેશી સ્પિનર શાકીબ, થામ્પી, ખલીલ અહમદ, એસ. નદીમ અને કૌલ જેવા વિજયી દેખાવ કરી શકે તેવા બોલરો છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uCeVGg
via Latest Gujarati News
0 Comments