આજે ચેન્નાઈ હોમગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે

ચેન્નાઈ, તા.૩૦

ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તેના હોમગ્રાઉન્ડ પર પ્રવાસી રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈએ ધમાકેદાર શરૃઆત કરતાં બેંગ્લોર અને ત્યાર બાદ દિલ્હીની ટીમને હરાવી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સને કિંગ્સ ઈલેવન અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડી ચૂક્યો છે.

હવે આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૃ થનારી મેચમાં રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવવાના ઈરાદા સાથે ઉતરશે. જ્યારે ધોનીની સુપરસ્ટાર ટીમની નજર વિજયી હેટ્રિક પર રહેશે.

રહાણેની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાનની ટીમ પંજાબ સામેના મુકાબલામાં 'માંકડેડ' વિવાદ બાદ હારી ગઈ હતી. જ્યારે હૈદરાબાદ સામેના મુકાબલામાં તો સેમસની સદી સાથે ૧૯૮ રન ખડકવા છતાં તેઓનો પરાજય થયો હતો.

ચેન્નાઈ સામે જીતવા માટે રાજસ્થાને તેના બોલરોના દેખાવને સુધારવો પડશે. ખાસ કરીને એર્ચેર અને સ્ટોક્સ તેમજ જયદેવ ઉનડકટ  પહેલા જેવો પ્રભાવ પાડી શક્યા નથી. શ્રેયસ ગોપાલે  સારો દેખાવ કર્યો હતો, પણ પ્રસિધ ક્રિશ્ના અને ગોવ્થમે પણ વધુ જવાબદારી ઉપાડવી પડશે. 

ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈની ટીમમાં સુપરસ્ટાર્સની ભરમાર છે. સ્પિનર હરભજન અને તાહીરની જોડી હરિફો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કર્ણ શર્મા, મોહિત શર્મા, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર જેવા બોલરો છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરના ઓલરાઉન્ડર્સ વોટસન, રવિન્દ્ર જાડેજા, માઈકલ સાન્ટનેર અને બ્રાવો તેમની બેટીંગ અને બોલિંગથી બાજી પલ્ટી શકે તેમ છે. જ્યારે રાયડુ, ધોની, મુરલી વિજય, કેદાર જાધવ તેમજ સુરેશ રૈના ભલભલા બોલરોને માટે દુઃસ્વપ્ન સમાન સાબિત થઈ શકે તેમ છે.

રાજસ્થાન માટે સંજુ સેમસન અને રહાણેનું ફોર્મ ઉત્સાહજનક રહ્યું છે. જોકે સ્ટોક્સ,બટલર અને સ્મિથે પણ આગવી લયમાં રમવું પડશે. રાહુલ ત્રિપાઠી અને મનન વહોરા જેવા ઘરઆંગણાના સ્ટાર્સ પર ટીમનો મદાર રહેશે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I7sgye
via Latest Gujarati News

Post a Comment

0 Comments