તાઓયુએન, તા.૩૦
ભારતની ઈશા સિંઘ અને સરબ્જોત સિંઘે શાનદાર દેખાવ કરતાં તાઈપેઈમાં ચાલી રહેલી એશિયન એરગર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ડબલ ગોલ્ડની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે ભારતના જુનિયર શૂટરોએ આજે ચોથા દિવસે ભારતને ચાર ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.
૧૩ વર્ષીય શૂટર ઈશા સિંઘે જુનિયર વિમેન્સ કેટેગરીની એર પિસ્તોલ ઈવેન્ટમાં જબરજસ્ત દેખાવ કરતાં ૫.૧ પોઈન્ટના અંતરથી સાઉથ કોરિયાની યુન સેઓન્જેઓઁગને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. અગાઉ તેણે ભારતના વિજયવીર સિંઘ સંધૂ સાથે મળીને મિક્સ ટીમ ઈવેન્ટમાં એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી.
ઈશા અને વિજયવીરની જોડીએ આઠ પોઈન્ટના અંતરથી ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. જ્યારે જુનિયર વિમેન્સની ટીમ ઈવેન્ટમાં ઈશાની સાથે હર્ષદા નિથાવે અને દેવાંશી ધર્માની જોડીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ભારત ગોલ્ડ મેડલ જીતનારી કોરિયન ટીમ કરતાં સાત પોઈન્ટ પાછળ રહ્યું હતુ.
જુનિયર મેન્સ ઈવેન્ટમાં ભારતના સરબ્જોત સિંઘે ભારે રોમાંચક ફાઈનલમાં સાઉથ કોરિયાના કીમ વૂજોંગને ૧.૨ ના સ્કોર થી હરાવીને સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. જ્યારે વર્લ્ડ જુનિયર ચેમ્પિયન વિજયવીર સંધૂએ બ્રોન્ઝ મેડલ માટે સાઉથ કોરિયાના શૂટર સાથેની ટાઈ બાદ શૂટઆઉટમાં સફળતા મેળવી હતી.
સરબ્જોત, વિજયવીર અને અર્જુન સિંઘ ચીમાની ત્રિપુટીએ જુનિયર મેન્સ કેટેગરીમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. તેઓએ ૧૯ પોઈન્ટના માર્જિનથી તાઈપેઈને હરાવ્યું હતુ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uJYhox
via Latest Gujarati News
0 Comments