
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ આજે કહ્યું હતું કે અડવાણીને લોકસભાની ચૂંટણી લડવા ટિકિટ નહીં આપવા અંગે તેઓ પોતે જ ભ્રમણાને દૂર કરે. તેમનાચૂંટણી લડવાથી કે નહીં લડવાથી અડવાણીનો કદ ટુંકો થવાનો નથી.
૯૧ વર્ષના નેતાની પ્રશંસા કરતા ભારતીએ કહ્યું હતું કે ભાજપને આ સ્થાને લાવવામાં અડવાણીની ભૂમિકા એટલી મહત્ત્વની રહી હતી કે જેના કારણે આજે મોદી વડા પ્રધાન બની શક્યા છે.
ઉમા ભારતીએ કહ્યું હતું કે અડવાણી પોતાના લાંબા રાજકીય જીવનમાં ક્યારે પણ હોદ્દાની પાછળ દોડતા નહતા.'દેશમાં ચાલતી અટકળોને માત્ર અડવાણી જ દૂર કરી શકે છે.
મારા સહિત અન્ય કોઇ આ અંગે કંઇ જ બોલી શકે નહીં, તેઓ જ સ્પષ્ટતા કરી શકે છે'એમ એક સમયે અડવાણીથી નારાજ થઇને ભાજપની બેઠકમાંથી ચાલતી પકડનાર અને ભાજપને છોડી દેનાર ઉમા ભારતી એ કહ્યું હતું. અડવાણીને ગાંધીનગરથી કેમ ઉમેદવાર ના બનાવ્યા તેવા એક સવાલના જવાબમાં તેમણે આ મુજબ કહ્યું હતું.
ભાજપએ જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં અડવાણીનું નામ જોવા નહીં મળતા લોકો તરહ તરહની વાતો કરે છે. તેમની જગ્યાએ ભાજપના પ્રમુખ અમીત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. ભાજપે નવયુવાનોને તક આપવા અડવાણી ઉપરાંત શાંતા કુમાર, બી.સી.ખંડૂરી અને કારિયા મુંડાને પણ ભાજપે પડતા મૂક્યા હતા.કેટલાક વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો.
ખૂદ ઉમા ભારતીએ પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો. ઉમા ભારતી ૧૮ મહિના સુધી ગંગા કિનારે પગપાળા યાત્રા કરવાની યોજના બનાવે છે જે મે મહિનાથી શરૃ કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fw6mTI
via Latest Gujarati News
0 Comments