
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર
કર્ણાટક સરકારે રવિવારે એપ્લિકેશનના માધ્યમથી ટેક્સી બુક કરવાની સુવિધા આપતી ઓલા કંપનીને ફરીથી પોતાની સેવા શરુ કરવાની અનુમતિ આપી છે. મંજૂરી વગર જ બાઈક ટેક્સી સેવા શરુ કરવાને કારણે બે દિવસ પહેલા કંપની પર છ મહિનાનો પ્રતિબંધ લાગુ કરાયેલો.
કર્ણાટક સરકારે ઓલા કેબ સેવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. રાજ્યના સામાજીક કલ્યાણ મંત્રી પ્રિયાંક ખડગેએ ટ્વિટરના માધ્યમથી ઓલા પરનો પ્રતિબંધ હટાવી લીધાની જાહેરાત કરી હતી.
તેમણે લખ્યું હતું કે ઓલા કંપની રવિવારથી જ પહેલાની માફક પોતાનું કામ શરુ કરી શકશે. તેમણે લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કારણ રજૂ કર્યું હતું.
ઓલા કંપનીમાં રોકાણકર્તા મૈટ્રિક્સ પાર્ટનર્સ ઈન્ડિયાના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અવનીશ બજાજે સમસ્યાના ઝડપી ઉકેલની પ્રશંસા કરી હતી. તેમણે તેજ ગતિએ સમસ્યાનું સમાધાન થયું તેને નવા ભારતના ઉત્કૃષ્ટ ભવિષ્ય સમાન ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓલા કંપની મંજૂરી વગર બાઈક ટેક્સી સેવા આપી રહી હોવાથી કર્ણાટક પરિવહન વિભાગે શુક્રવારે ઓલાના લાઈસન્સને છ મહિના માટે સસ્પેન્ડ કર્યું હતું.
પરિવહન વિભાગે પોતાના ૧૮ તારીખના આદેશમાં કહ્યું હતું કે, ઓલાનું સંચાલન કરતી બેંગલુરુની એની ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ કર્ણાટક ઓન ડિમાન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી એગ્રીગેટર્સ રુલ્સ-૨૦૧૬નું ઉલ્લંઘન કર્યુ છે. તેના અનુસંધાને બેંગલુરુના ડેપ્યુટી પરિવહન અધિકારી અને વરિષ્ઠ ક્ષેત્રીય પરિવહન અધિકારીની ફરિયાદને આધારે ઓલાનું ૧૯ જૂન, ૨૦૧૯ સુધીની મર્યાદા ધરાવતું લાઈસન્સ છ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ttatnw
via Latest Gujarati News
0 Comments