લોકસભાની સંવેદનશીલ બેઠકો અને બેંકની શાખાઓ પર આવક વેરા વિભાગની ચાંપતી નજર


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર

આગામી લોકસભા ચૂંટણીને લઈને આવક વેરા વિભાગ સંવેદનશીલ બેઠક વિસ્તારો અને બેંકની સંવેદનશીલ શાખાઓ પર ચાંપતી નજર રાખશે જેથી ચૂંટણી દરમિયાન થતી નાણાંની બિનહિસાબી લેવડ-દેવડને ઝડપી શકાય. 

આવક વેરા વિભાગે દેશભરમાં ૨૫ કન્ટ્રોલ રુમની રચના કર્યા બાદ પ્રથમ વખત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્ષીસ(સીબીડીટી)ના ચેરમેન પીસી મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી એક મીટિંગ યોજી હતી.

આ મીટિંગમાંં આવક વેરા વિભાગના અધિકારીઓને મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી. ટૂંક સમયમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને આવક વેરા ખાતાએ આ કંટ્રોલ રુમની રચના કરી છે જે થી ચૂંટણી દરમિયાન વ્યવહારમાં આવતા બિનહિસાબી નાણાંના પ્રવાહ પર નજર રાખી શકાય.

પીસી મોદીએ આઈટી અધિકારીઓને સજાગ બનીને સંવેદનશીલ બેઠકો પર થતા નાણાંના બિનહિસાબી વ્યવહાર પર નજર રાખવા સૂચના આપી છે. તેમણે જણાવ્યા મુજબ બેંકની જે શાખાઓમાં ભૂતકાળમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નોંધાયેલી હશે તેને સંવેદનશીલ જાહેર કરીને આવક વેરા વિભાગની રડારમાં આવરી લેવાશે. 

આ ઉપરાંત નોટબંધી વખતે અનેક સહકારી બેંકો કાળા નાણાંને સફેદ કરવાના કામમાં સંકળાયેલી હતી માટે આઈટી અધિકારીઓને સહકારી બેંકના વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મીટિંગમાં હાજર રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેઓ પેટ્રોલ પંપ અને ઢાબાઓ પર પણ ચાંપતી નજર રાખશે.

કારણ કે ચૂંટણી વખતે ઉમેદવારોના સમર્થકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ અને ઢાબાઓમાં ભોજન કર્યા બાદ રોકડને બદલે કુપન આપતા હોય છે. ઉમેદવારો બાદમાં પેટ્રોલ પંપ અને ઢાબાના માલિકોને રોકડા ચુકવી આપે છે પરંતુ આ વ્યવહારોને પોતાના ખર્ચમાં નથી ગણાવતા. આ ઉપરાંત આઈટી અધિકારીઓ કેશ હેન્ડલર્સ, આંગડીયાઓ અને હવાલા ઓપરેટર્સ પર પણ નજર રાખશે. 

દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મેટ્રોપોલીટન શહેરો અને ગુજરાત જેવા રાજ્યના હવાલા ઓપરેટર્સ પર ખાસ ધ્યાન રખાશે. ઘણી વખત મોટા હવાલા ઓપરેટર્સ ચૂંટણી વખતે પોતાના ફંડને નાના શહેરોમાં પણ વહેંચતા હોય છે. અન્ય એક અધિકારીએ જણાવ્યા મુજબ આ મીટિંગમાં અમુક રાજ્યમાં વર્તાઈ રહેલી સ્ટાફની તંગી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આઈટી સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે માટે ત્યાં જીએસટી સ્ટાફની મદદ લેવાનું નિર્ધારીત કરવામાં આવ્યું છે. સીબીડીટીએ ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે તેઓ આઈટી અધિકારીઓનો ચૂંટણીના કામમાં ઉપયોગ ન કરે જેથી આઈટી અધિકારીઓ નાના શહેરો પર પણ ધ્યાન આપી શકે અને ચૂંટણી પંચે સીબીડીટીની આ વિનંતી માન્ય રાખી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wk8qE0
via Latest Gujarati News

Post a Comment

0 Comments