આજે વિશ્વ રંગભૂમિ દિવસ પર કેમ્પસ થિએટરની વાત...

વિશ્વ રંગ ભૂમિ દિવસની શરૃઆત ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયૂટ (આઇ.ટી.આઇ.) ફ્રાન્સમાં કરવામાં આવી હતી. આ દિવસે દુનિયાભરમાં અનેક સંસ્થાઓ વિવિધ રંગભૂમિના કાર્યક્રમો યોજી ઉજવણી કરતા હોય છે. આ દિવસની જે ખાસ ઘટના છે તે એ કે આ દિવસે વિશ્વ રંગભૂમિ શાંતિ સંદેશો દુનિયાભરને આપે છે. સૌપ્રથમ સંદેશો ફ્રાન્સ દેશના જોન કોકટોઉએ ૧૯૬૨માં પાઠવ્યો હતો. આજે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ ૨૦૦ વર્ષ જૂનો થવા આવ્યો છે ત્યારે આજે વાત કરીએ અમદાવાદની વિવિધ કોલેજ કેમ્પસમાં ધબકતાં રંગમંચની જ્યાં બિઝનેસ માઇન્ડથી પરે સ્ટુડન્ટસ સામાજિક મુદ્દાઓ સાથે કે પછી નુક્કડ નાટક અને ભવાઇ જેવી લુપ્ત થઇ જતી કળાને જીવંત કરવા કમરકસી રહ્યા છે. 

મેમ્બર્સ વર્ષમાં એક વખત હોમપ્રોડક્શનનું નાટક ભજવે છે

સેપ્ટ યુનિવર્સિટીના 'નાટકબાજી' ગુ્રપ છેલ્લા ૨૦ વર્ષોથી કાર્યરત છે, જેમાં આજે ૨૦ મેમ્બર છે. નાટકબાજી ગુ્રપ દ્વારા દર વર્ષે એક ઓરિજનલ નાટક ભજવવામાં આવે છે, જેના માટે સ્ક્રિપ્ટ, ડિરેક્શન, મ્યુઝિક અને પ્રોડક્શન સહિતની કામગીરી ગુ્રપ મેમ્બર દ્વારા જ કરવામાં આવે છે, જેને હોમપ્રોડક્શન પણ કહેવામાં આવે છે. નાટકબાજી ગુ્રપ દ્વારા વર્ષ ૨૦૧૮માં 'પ્લે ધેટ ગોઝ રોંગ' નાટક ભજવાયું હતું, જ્યારે ૨૦૧૯માં 'ધી રેબિટ હોલ' ભજવવામાં આવ્યું હતું. 'ધી રેબિટ હોલ' નાટકમા રાઇટર તરીકે ખુશાલી હાજી અને ડિરેક્ટર તરીકે ધુ્રવ પટેલ, વૃષ્ટી કોઠી અને મોનીષ જ્હવેરીએ સેવા આપી હતી. જ્યારે શ્રીતેજ ભટ્ટે ગાઇડ અને મેન્ટર તરીકે ફરજ બજાવી હતી.

એન્જિનિયરિંગના સ્ટુડન્ટસ નાટકની સ્ક્રિપ્ટ લખી જાતે ડિરેક્ટ કરે છે

એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સ્ટુડન્ટસ દ્વારા ત્રણ વર્ષ પહેલા નાટક ગુ્રપ 'ધનક'ની સ્થાપના કરાઇ હતી. આજે નાટક ગુ્રપ 'ધનક' સાથે ૧૭ જેટલા મેમ્બર જોડાયેલા છે. ધનક ગુ્રપ દ્વારા છેલ્લે 'ધી જજમેન્ટ' નાટક ભજવવામાં આવ્યું હતું, જેમાં ડિરેક્શન, પ્રોડક્શન, સ્ક્રિપ્ટ અને મ્યુઝિકનું કામ સ્ટુડટન્સ દ્વાર જ કરાયું હતું. એચ.કે. કોલેજમાં યોજાયેલી કોમ્પિટિશનમાં ધનક ગુ્રપને ત્રીજી સ્થાન મળ્યું હતું, જ્યારે નાટકના મુખ્ય પાત્ર ધાર્મિક ત્રિવેદીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. 'ધનક' નાટક ગુ્રપ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને જનજાગૃતિ માટેના શેરી નાટકો પણ કરે છે. 

દરેક મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરીએ છીએ

કોલેજ  સેન્ટ ઝેવિયર્સ  

જાનકી ગોદારીયાએ કહ્યું કે અમે થિયેટરને એક માધ્યમ રૃપે લઇ અમારું ગુ્રપ બગીચામાં પ્લે કરતું આ પછી અમે કોલેજના વુમન એમ્પાવરમેન્ટ સેલ સાથે મળીને નાટક પરફોર્મ કર્યું. અમે સોશિયલ ઇશ્યૂ પર અવાજ ઉઠાવીને કોલેજના સ્ટુડન્ટસના વિચારો બદલાય તે માટે કામ કરી રહ્યા છીએ. અમારું ગુ્રપની બેસ્ટ વાત એ છે કે બહાર લોકોની અપેક્ષા મુજબ બદલાતા રહીએ છીએ પણ ગુ્રપમાં અમે સહજતાથી ગંભીરમાં ગંભીર મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરીએ છીએ. 

આગાઝ થિયેટર ક્લબના સ્ટુડન્ટસ ડાયલોગ વગર નાટક પરફોર્મ કરે છે

કોલેજ  નારાયણ ગુરુ 

૨૦૧૪માં આગાઝ થિયેટર ક્લબ શરૃ કરી જેમાં આજે ૧૦૦થી વધુ સ્ટુડન્ટ છે, જેમાં ૭૦ પાસઆઉટ અને ૩૦ સ્ટુડન્ટ ચાલુ વર્ષના છે. આ અંગે વાત કરતા પાયલ ગોલડીયાએ કહ્યું કે, આ ક્લબ હેઠળ અમે સ્કીટ, માઇમ, મોનો એક્ટિંગ, એકાંકી નાટક શીખી રહ્યા છીએ. અમે એક અઘરું નાટર ભજવ્યું, જેમાં એકપણ ડાયલોગ વગર માત્ર એક્ટિંગ દ્વારા લોકોની આંખોમા આસું લાવ્યા હતા. 

ઇન્સ્ટિટયુટના ગુજરાતી સ્ટુડન્ટસને રંગલો અને રંગલી શું તે ખ્યાલ નહતો

કોલેજ   નિરમા ઇન્સ્ટિટયૂટ  

જીત સ્વાદિયાએ કહ્યું કે, અમે નુક્કડ નાટકને લુપ્ત થતુ અટકાવા માટેની કામગીરી ૩ વર્ષ પહેલા શરૃ કરી હતી ત્યારે ૧૨ સ્ટુડન્ટ હતા અને ઇન્સ્ટિટયુટમાં ડ્રામાની ક્લબ ન હતી. આજે ૩૦ સ્ટુડન્ટ જોડાયા છે જેનું નામ 'ક્ષણ ડ્રામા ગુ્રપ) અમે કમર્શિયલ નાટક કરવાનું ટાળી કોલેજ ફેસ્ટિવલ્સમાં ભાગ લઇએ છીએ. અમે અત્યાર સુધી ૭ નુક્કડ નાટક પરફોર્મ કર્યા છે. તાજેતરમાં પરફોર્મ કરેલ ગાંધીવાત ને સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું. અમે જ્યારે ભવાઇ કોલેજમાં પરફોર્મ કરી ત્યારે ગુજરાતી સ્ટુડન્ટને પણ રંગલો અને રંગલી શું છે તેની જાણ નહતી

૩૩ વર્ષે ગુજરાત યુનિ.નું પહેલું નાટક 'બેબ્ઝ ઇન વુડ' જીત્યું

કોલેજ   જે.જી. પરફોર્મિંગ આર્ટસ

વર્કશોપમાં કેટલાક અજાણ્યા લોકો માત્ર થિયેટરના શોખના કારણે મિત્રો બન્યા અને આજે તેઓ જે.જી. પરફોર્મિંગ આર્ટસમાં થિયેટરની ઉત્તમ ટ્રેનિંગ મેળવી રહ્યા છે. આ કોલેજ ગુ્રપમાં ૩૫ સ્ટુડન્ટસ જોડાયા છે. આ અંગેવાત કરતા સુરજ નાયકે કહ્યું કે, ૩૩ વર્ષમાં ગુજરાત યુનિવર્સિટીનું પહેલું નાટક નેશનલે લેવલે જીત્યું તે અમારા માટે મોટું અચિવમેન્ટ છે. આ વર્ષે બંેગલોર કોમ્પિટિશનમાં પણ ચિરાગ મોદી દ્વારા લેખિત અને રવિરાજ પરમાર દ્વારા ડાયરેક્ટ કરેલું નાટક ભજવ્યું, જેમા ૨૭ નાટક વચ્ચે મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. 

અમે નારી સશક્તિકરણ વિષય પર નાટક પરફોર્મ કરીએ છીએ

કોલેજ   નેશનલ કોલેજ ઓફ કોમર્સ

જેની ઉપાધ્યાયે કહ્યું કે અમારી કોલેજના ૧૦ સ્ટુડન્ટના ડ્રામા ગુ્રપે નારી સશક્તિકરણ વિષય પર નાટક કર્યું જેનું લેખન અને દિગ્દર્શન સલમાન શેખ દ્વારા થયેલું છે. આ નાટક દ્વારા અમે બાળપણથી લઇને સ્ત્રીની વૃધ્ધાવસ્થા  સુધી  તે જે જે પાત્ર ભજવે છે અને તેમા તેને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો છે તે અંગે વાત કરી હતી

૩ વર્ષમાં કોલેજના દરેક સ્ટુડન્ટે ૩૬ નાટકનું દિગ્દર્શન કર્યું છે

કોલેજ ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ 

હાર્દિક પટેલે કહ્યું કે નાટક શીખવા માટે અમે એપ્ટીટયુટ ટેસ્ટની એન્ટ્રન્સ સાથે થિયરી અને પ્રેક્ટિસ ટેસ્ટમાં પસાર થયા છીએ. આજે ૩૦ વિદ્યાર્થી છે. આ ત્રણ વર્ષ દરમિયાન અમે ૩૬ નાટકોનું દિગ્દર્શન કર્યું છે. અમારા ડિપાર્ટમેન્ટનું નાટક ગુજરાત સમાચાર આઇએનટીમાં પ્રથમ આવ્યું. ફ્રી સમયમાં અમે પાસઆઉટ સ્ટુડન્ટ સાથે ફ્રિલાન્સ એક્ટિવિટી કે પ્રોડક્શનનું કામ શીખીએ છીએ. 

શજીજીની પ્રવૃતિ કરતા ડ્રામા ગુ્રપ બની ગયું 

કોલેજ આર.જે. તિબ્રેવાલ

આર.જે. તિબ્રેવાલ કોલેજનમાં ત્રણ વર્ષ પહેલા એનએસએસની પ્રવૃતિઓ માટે એકઠા થયેલા સ્ટુડન્ટસે માત્ર સ્પિચ આપવાને બદલે એક્ટિંગ દ્વારા આ મુદ્દાને લાઇવ પરફોર્મન્સ આપીને શ્રોતાઓના દિલ જીતી લીધા. આ પછી સામાજિક પ્રવૃતિ માટે ભેગા થયેલા સ્ટુડન્ટસે પોતાનું એક એકટિંગ ગુ્રપ બનાવ્યું. આજે આ ગુ્રપમાં ૨૦ મેમ્બર છે. આ અંગે વાત કરતા વિરાજે કહ્યું કે, એક્ટિંગ દ્વારા અમે મુદ્દાને વાચા આપીએ છીએ. અમારા ગુ્રપના મેમ્બર દ્વારા લેખિત, દિગ્દર્શિત અને પરફોર્મ કરાયેલ નાટક પરફોર્મ કર્યું, જેમાં અમે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

 એચ.કે.નું વિશલ બ્લોઅર ગુ્રપ સોશિયલ મુદ્દાઓ પર કામ કરે છે

કોલેજ   એચ.કે. કોમર્સ કોલેજ 

નિલેશ પરમારે કહ્યું કે, અમે કોલેજના ૨૪ સ્ટુડન્ટસનું ગુ્રપ સામાજિક મુદ્દાઓને લઇને વિશલ વગાડી સમાજને જગાડવાનું કામ કરીએ છીએ. અમે પરફોર્મ કરેલું ઉર્ફે આલો ગુજરાત સમાચાર અને આઇએનટી કોમ્પિટિશનમાં એકાંકી પ્રથમ આવ્યું હતું. આ નાટકને બેસ્ટ રાઇટર, ડાયરેક્ટર, એક્ટર, ડિઝાઇનિંગનો અવોર્ડ મળ્યો છે. આ નાટક સાથે અમે મુંબઇની ભવાઇ કોમ્પિટિશનમાં પણ ગયા હતા. 



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fy7K73
via Latest Gujarati News

Post a Comment

0 Comments