નો સેલરી, નો વર્ક, જેટ એરલાઇન્સના પાઇલટો કરશે બહિષ્કાર

નવી દિલ્હી તા.30 માર્ચ 2019 શનિવાર 

ગંભીર આર્થિક સમસ્યા અનુભવી રહેલી જેટ એરલાઇન્સના એક હજાર પાઇલટોએ જાહેર કર્યું હતું કે પગાર નહીં તો કામ નહીં. પહેલી એપ્રિલથી અમે જેટનાં વિમાનો નહીં ઊડાવીએ.

જેટ એરલાઇન્સ પાસે હાલ એક હજાર પાઇલટ છે. આ તમામે એકતા જાહેર કરતાં મિડિયાને કહ્યું હતું કે અમને છેલ્લા બે ત્રણ મહિનાથી પગાર મલ્યો નથી. કેટલાક પાઇલટે તો ઘરખર્ચ માટે પોતાની પત્ની કે માતાનાં દાગિના ગીરવે મૂક્યા છે. આ સંજોગોમાં અમે પહેલી એપ્રિલથી જેટ એરલાઇન્સના વિમાનો નહીં ઊડાવીએ. 

જેટના સંચાલકોએ એવી મૌખિક ખાતરી આપી હતી કે શુક્રવારે અમને બેંકો તરફથી મદદ મળવાની છે. ત્યારે અમે તમારો પગાર ચૂકવી દેશું. પરંતુ શુક્રવારે 29 માર્ચે એવું કશું બન્યું નહોતું, એટલે પાઇલટોએ ઊડ્ડયનો અટકાવી દેવાનો નિર્ણય કર્યો હતો.

પાઇલટોના યુનિયન નેશનલ એવિગેટર્સ ગિલ્ડના 1100 સભ્યોએ 19 મી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કામ અટકાવી દેવાની ચેતવણી પણ ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે અનિશ્ચિતતા અને આર્થિક વિટંબણાને કારણે  અમે અસહ્ય ટેન્શન અનુભવી રહ્યા છીએ.

થોડા દિવસ પહેલાંજ જેટના ચેરમેન નરેશ ગોયલે ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. જો કે એમ ના રાજીનામાથી પણ એરલાઇન્સની તકલીફમાં જરાય ઘટાડો થયો નહોતો.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V4lehF
via Latest Gujarati News

Post a Comment

0 Comments