યોકોવિચનો ટોમિચ સામે વિજય, હોકાર્ઝે થિએમને હરાવતા અપસેટ

માયામી, તા.૨૩

માયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં સર્બિયન સ્ટાર યોકોવિચે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી બર્નાર્ડ ટોમિચને ૭-૬ (૭-૨), ૬-૨થી હરાવીને વિજયી શુભારંભ કર્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતા યોકોવિચને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સના રાઉન્ડ ઓફ ૩૨માં જર્મનીના કોલ્સ્ચેઈબેર સામે આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. હવે માયામી ઓપનમાં બીજા રાઉન્ડમાં યોકોવિચની ટક્કર આર્જેન્ટીનાના ડેલ્બોનિસ સામે થશે.

જોકે ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સની ફાઈનલમાં ફેડરરને હરાવીને ચેમ્પિયન બનેલા ઓસ્ટ્રીયાના થિએમને માયામીમાં પહેલા જ મુકાબલામાં હારનો સામનો કરવો પડયો હતો. થિએમને પોલેન્ડના ૨૨ વર્ષીય ખેલાડી હોર્કાઝે સીધા સેટોમાં ૬-૪,૬-૪થી હરાવ્યો હતો. 

ઓસ્ટ્રેલિયાના કિર્ગીઓસે કઝાખ્સ્તાનના એલેક્ઝાન્ડર બુલ્બીકને સીધા સેટોમા ૭-૫, ૬-૩થી હરાવીને રાઉન્ડ ઓફ ૩૨માં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. કિર્ગીઓસ હવે લાજોવિચ સામે ટકરાશે. સર્બિયન ટેનિસ ખેલાડી લાજોવિચે પણ મેજર અપસેટ સર્જતાં પાંચમો સીડ ધરાવતા જાપાનના નિશિકોરીને સીધા સેટોમાં ૨-૬, ૬-૨, ૬-૩થી હરાવ્યો હતો. 

નેધરલેન્ડના રોબિન હાસે સાઉથ આફ્રિકાના હેરિસને ત્રણ સેટના મુકાબલામાં ૩-૬, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. સ્પેનના બૌતીસ્તા એગ્યુટે ૭-૬ (૭-૩), ૬-૪થી સર્બિયાના ટિપ્સારેવિચને હરાવ્યો હતો. જ્યારે ઈટાલીના ફોગ્નીનીએ આર્જેન્ટીનાના એન્ડેઓઝી સામે ૫-૭, ૬-૪, ૬-૪થી વિજય પ્રાપ્ત કર્યો હતો. 

સાતમો સીડ ધરાવતા અમેરિકન ખેલાડી જોન આઇસનરે ઈટાલીના સોનેગોને ૭-૬ (૭-૨), ૭-૬ (૯-૭)થી પરાજય આપ્યો હતો.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FnlwJW
via Latest Gujarati News

Post a Comment

0 Comments