(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.29 માર્ચ, 2019, શુક્રવાર
ચીનનો વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ વૈશ્વિક સુરક્ષા માટે ખતરનાક હોવાનું અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ એક નિવેદનમાં કહ્યું હતું. અમેરિકન વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે ચીન આ પ્રોજેક્ટના બહારને લશ્કરી વ્યૂહ ગોઠવીને વિશ્વને ખતરામાં મૂકી ઔરહ્યું છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ નેશનલ રીવ્યુ ઈન્સ્ટિટયૂટ-૨૦૧૯ સમિટમાં ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના અહેવાલનું તારણ આપતા કહ્યું હતું કે ચીન એમ દાવો કરે છે કે પ્રોજેક્ટમાં ભાગીદાર થનારા દેશોનો આર્થિક વિકાસ થશે, પરંતુ ચીનનો આ દાવો પોકળ છે અને ચીન વેપારી હેતુના બહાને લશ્કરી હેતુ સાધી રહ્યું છે.
અમેરિકન વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ચીન એશિયાથી યુરોપ અને આફ્રિકા સુધી એક રસ્તો બનાવવા ઈચ્છે છે અને તેના દાવા પ્રમાણે આ રસ્તે વેપાર થશે એટલે જે દેશોમાંથી આ રસ્તો નીકળશે તે બધાને આર્થિક ફાયદો થશે. પરંતુ હકીકત એ છે કે ચીન તેના બહાને આખી લશ્કરી જાળ બિછાવી રહ્યું છે અને તે અમેરિકા તેમ જ ભારત જેવા અમેરિકાના સહયોગી દેશો માટે ય ખતરનાક છે.
અમેરિકાના વિદેશ મંત્રીએ આ પ્રોજેક્ટને વિશ્વશાંતિ માટે ખતરનાક ગણાવીને અમેરિકાના નિષ્ણાતોને દક્ષિણ ચીની સમૃદ્રની બાબતે ય જણાવ્યું હતું કે ચીન દક્ષિણ ચીની સમૃદ્રમાં ફ્રી નેવિગેશનના નામે લશ્કરી બેઝ બનાવી રહ્યું છે અને અન્ય દેશો જે ટાપુ ઉપર દાવો કરે છે તેને પણ ચીને હડપ કરી લીધા છે. તેમણે દક્ષિણ ચીની સમૃદ્રમાં અમેરિકાએ ફ્રી નેવિગેશન શરૃ રાખવું જોઈએ એવી હિમાયત કરી હતી.
પોમ્પિઓએ કહ્યું હતું કે વિદેશ મંત્રાલય આ બાબતે ઘણું કરી શકે છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટની સાચી હકીકત બહાર આવે તે માટે જાગૃતિ આવે તેવા પ્રયાસો થશે. અમેરિકી વિદેશ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ચીનમાં આગામી મહિને આ પ્રોજેક્ટની બેઠક મળવાની છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OCSrOQ
via Latest Gujarati News
0 Comments