અમે ભારતના એન્ટિ સેટેલાઈટ ટેસ્ટની જાસૂસી નથી કરી : અમેરિકાનો ખુલાસો


(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.30 માર્ચ, 2019, શનિવાર

અમેરિકાએ ભારતના એન્ટિ સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટિંગની જાસૂસી કરી હતી? જાસૂસી કરી હતી કે નહીં એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પરંતુ એવી વાતો થવા લાગી છે. કેટલાક નિષ્ણાતોએ એવું કહ્યું હતુ કે ભારતના આ મિસાઈલ ટેસ્ટિંગની અમેરિકાને જાણ હતી કેમ કે અમેરિકા ભારતની જાસૂસી કરતું હતુ. 

આવા વિવાદ પછી અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને ખુલાસો કર્યો હતો કે અમે કોઈ જાતની જાસૂસી કરી નથી. અમેરિકાના સેનેટર અને એર ફોર્સ સ્પેસ કમાન્ડના વાઈસ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડેવિડ થોમસને દાવો કર્યો હતો કે ભારતના સેટેલાઈટ તોડી પાડવાના મિશન અંગે અમેરિકાને જાણ હતી.

અમેરિકી સંરક્ષણ વિભાગના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ડેવિડ ઈસ્ટબર્ને કહ્યુ હતુ કે જાસૂસીની વાતો પાયાવિહોણી છે. અમેરિકાના ભારત સાથેના સબંધો બહુ સારા છે અને તેમાં અડચણ થાય એવી કામગીરી કરવામાં અમને રસ નથી. અમે તો ભારત સાથે લશ્કરી અને દ્વિપક્ષીય સહયોગ માટે સક્રિય છીએ.

અલબત્ત, ભારત આવો કોઈ પ્રયોગ કરી રહ્યું છે, તેની અમેરિકાને અગાઉથી જાણકારી હતી. જાણકારી હોવાનું કારણ એવુ આપ્યું હતુ કે ભારતે લૉન્ચિંગ વખતે એ આકાશમાં ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો હતો. માટે અમેરિકાને જાણ મળી હતી કે કોઈ મહત્ત્વપૂર્ણ લૉન્ચિંગ થવા જઈ રહ્યું છે.

હિન્દ મહાસાગરમાં માલદિવ્સ પાસે આવેલા ડિએગો ગ્રેસિઆ નામના નાનકડા ટાપુ પર અમેરિકાનું લશ્કરી મથક છે. અહીંથી ભારતના મિશનની જાસૂસી કરવા અમેરિકાએ જાસૂસી વિમાનો ઉડાવ્યા હતા એવા અહેવાલો વહેતા થયા હતા.

પરંતુ અમેરિકાએ એ અહેવાલ ખોટા ગણાવ્યા હતા. બીજી તરફ નિષ્ણાતો માને છે કે અમેરિકા બધા દેશોની જાસૂસી કરતું જ હોય છે. માટે ભારતની પણ જાસૂસી થાય એ નવી વાત નથી. એ જાણીતો ઈતિહાસ છે કે ૧૯૭૪ના પોખરણ ઘડાકા વખતે ભારતે અમેરિકાના જાસૂસી સેટેલાઈટથી બચવા માટે રણમાં ભારે ચીવટપૂર્વક કામ કરવું પડયું હતુ.

ભારતના આ મિશન પછી અમેરિકી સંસદમાં તેના લાભા-લાભ અંગે ચર્ચા થઈ હતી. તેમાં કેટલાક સવાલો ઉભા થયા હતા જેના જવાબ સંરક્ષણ સમિતિએ આપ્યા હતા. એ વખતે જ આ માહિતી પણ થોમસને રજૂ કરી હતી. થોમસને એમ પણ કહ્યું હતુ કે મિશન સફળ થયા પછી અમેરિકા સિવાય બીજા કોઈ દેશને તેની ખબર પડી ન હતી.

પણ મિશન સફળ થયાની થોડી વારમાં જ સેટેલાઈટનો ભંગાર પણ અમારા મિસાઈલ વૉર્નિંગ સિસ્ટમમાં નોંધાયો હતો. બીજા કેટલાક અમેરિકી લશ્કરી નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે અમેરિકા જાસૂસી કરતું હોય એમાં કોઈ નવાઈ જ નથી. વર્ષોથી કરતું આવે જ છે. પરિણામે અમેરિકા ભારતની જાસૂસી કરે છે કે કેમ એ મુદ્દે વિવાદ ઉભો થયો છે. 

ભારતના ભંગારથી સ્પેસ સ્ટેશનને ખતરો નથી 

દરમિયાન અમેરિકી સંરક્ષણ વિભાગે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ભારતના સેટેલાઈટના ભંગારથી ૪૦૦ કિલોમીટર ઊંચે ઘૂમી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કોઈ ખતરો નથી. ભારતના તૂટેલા ઉપગ્રહના સેંકડો ટૂકડા થયા છે. તેમાંથી ૨૭૦ મોટા ટૂકડા અમેરિકાની સર્વેલન્સ સિસ્ટમમાં નોંધાયા છે. એ ટૂકડા સ્પેસ સ્ટેશનના રસ્તામાં આવે એમ નથી કેમ કે ભંગાર સર્જાયો તેનાથી સ્પેસ સ્ટેશન ૧૦૦ કિલોમીટર ઊંચે છે. જો સ્પેસ સ્ટેશન સાથે કોઈ ટૂકડો અથડાય તો બેશક મોટું નુકસાન થઈ શકે. પરંતુ હાલ એવો કોઈ ભય ન હોવાની અમેરિકાએ સ્પષ્ટતા કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OBdDVl
via Latest Gujarati News

Post a Comment

0 Comments