તમિલનાડુના ખેડૂતો 'અઘોરી'ના વેશમાં મોદી વિરૂધ્ધ ચૂંટણી લડવા ફાળો માંગશે


(પીટીઆઈ) તિરુચિરાપલ્લી, તા.24 માર્ચ, 2019, રવિવાર

તમિલનાડુના ૧૧૧ જેટલા ખેડૂતો પાકનું યોગ્ય વળતર સહિતની વિવિધ માંગને લઈને બનારસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ ખેડૂતો અઘોરી સાધુઓનો વેશ ધરીને પ્રદર્શન કરશે જેથી તેઓ કઈ હાલતમાં પોતનું જીવન વીતાવી રહ્યા છે તે બનારસના લોકોને જણાવી શકાય.

તમિલનાડુના ખેડૂત નેતા અને નેશનલ સાઉથ ઈન્ડિયન રિવર્સ ઈન્ટરલિન્કિંગ ફાર્મર્સ અસોશિએશનના અધ્યક્ષ પી. અય્યાકન્નુએ જણાવ્યું કે તમિલનાડુના ૧૦૦થી વધારે ખેડૂતો અઘોરી સાધુઓનો વેશ ધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની ગલીઓમાં ફરશે.

તેઓ દેશના ખેડૂતો કઈ હાલતમાં જીવી રહ્યા છે તે દર્શાવવા માટે અઘોરી સાધુઓનો વેશ ધરશે અને બનારસની ગલીઓમાં ફરીને લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવાના ખર્ચ માટે દાન એકત્રિત કરશે. આ ખેડૂતો મોદી વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવા પ્રત્યેક નામાંકન દીઠ ૨૫,૦૦૦ રુપિયા દાન પેટે મેળવવાનો લક્ષ્ય ધરાવે છે. અય્યાકન્નુએ જણાવ્યું કે દેશભરના ખેડૂતોએ સરકાર પાસેથી માત્ર ૭૫ હજાર કરોડ રુપિયા જ લોન પેટે લીધેલા છે જેને માફ કરવા જોઈએ.

સરકાર કોર્પોરેટ સેક્ટરનું ચાર લાખ કરોડ રુપિયાનું દેવું માફ કરી શકે છે પરંતુ ખેડૂતોની મદદ કરવામાં સરકાર પાછી પાની કરી રહી છે. દિલ્હીમાં જંતર મંતર ખાતેના પ્રદર્શન વખતે ખેડૂતોએ વિરોધ દર્શાવવા માટે અનેક નવા રસ્તાઓનો પ્રયોગ કર્યો હતો અને આ વખતે પણ તેઓ પોતાની માંગ રજૂ કરવા માટે અર્ધ નગ્ન થવા સહિતના રસ્તાઓ અપનાવવા વિચારી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uslJ9n
via Latest Gujarati News

Post a Comment

0 Comments