ઇમરાનના 'નયા પાક.'માં બે હિંદુ સગીરાઓનું અપહરણ, પરાણે લગ્ન કરી ઇસ્લામ કબૂલાવ્યો


મેડમ સુષમાજી આ અમારુ નવું પાકિસ્તાન છે, અહીં લઘુમતીઓ સુરક્ષીત છે, ભારત જેમ નથી : પાક. પ્રધાન ચૌધરીની ડંફાસ

એક વીડિયોમાં યુવતીએ જાતે જ ઇસ્લામ અંગીકાર કર્યો હોવાનો પણ દાવો, પાક.માં હિંદુઓનું ઉગ્ર પ્રદર્શન 

નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર

પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં આવેલા ઢર્કી ટાઉનમાં બે હિંદુ યુવતીઓનું અપહરણ કરીને ધર્માંતરણ કરવા માટે મજબૂર કરાઇ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેને પગલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે વિરોધ કર્યો હતો અને પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇ કમિશન પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો હતો. બીજી તરફ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. 

પાકિસ્તાન સ્થિત હિંદુ સેવા વેલફેર ટ્રસ્ટના પ્રમુખ સંજેશ ધંજાએ દાવો કર્યો હતો કે બન્ને યુવતીઓની ઉંમર ૧૩ અને ૧૫ વર્ષની છે. તેઓ પોતાના ઘરની પાસે હોળી રમી રહી હતી ત્યારે જ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું, જે બાદ તેમની સાથે લગ્ન કરીને ધર્માંતરણ કરવામાં આવ્યું હતું.

આ ઘટના બહાર આવ્યા બાદ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુઓ દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન શરૃ કરી દેવામાં આવ્યા હતા, જેથી દબાણમાં આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે એફઆઇઆર દાખલ કરી હતી. 

સુષમા સ્વરાજે ભારતીય હાઇ કમિશન પાસેથી રિપોર્ટ માગતા પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ હુસૈને જણાવ્યંુ હતું કે મેડમ સુષમા સ્વરાજ આ અમારો પાકિસ્તાનનો આંતરીક મામલો છે.

અહીં અમે લઘુમતીઓને તમારા ભારતની જેમ નથી રાખતા આ ઇમરાન ખાનનું નવુ પાકિસ્તાન છે કે જ્યાં દરેકને સમાન સ્થાન મળે છે. તમે પાકિસ્તાનના આંતરીક મામલે જે રસ દાખવી રહ્યા છો તેવો જ રસ ભારતમાં લઘુમતીઓ પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે દાખવો તેવી આશા છે.

અહીં પાકિસ્તાનમાં ઝંડાનો રંગ સફેદ રંગ પણ અમને બહુ જ પ્યારો છે.  બીજી તરફ એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બન્ને યુવતીઓના નિકાર કરાવવામાં આવી રહ્યા છે અને ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. જ્યારે અન્ય એક વીડિયોમાં આ યુવતીઓ કહી રહી છે કે અમે પોતાની મરજીથી ઇસ્લામ અંગીકાર કર્યો છે.

જ્યારે પાકિસ્તાનના માહિતી પ્રસારણ પ્રધાન ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની તપાસના આદેશ ઇમરાન ખાને આપી દીધા છે અને સિંધના મુખ્ય પ્રધાન પાસેથી રિપોર્ટ પણ માગ્યો છે. એક વીડિયોમાં હિંદુ યુવતીઓ રડી રહી છે અને રક્ષણ માગી રહી છે. અગાઉ પણ પાકિસ્તાનમાં હિંદુઓ પર અનેક અત્યાચાર થયા હોવાનું સામે આવ્યું છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WkFoUK
via Latest Gujarati News

Post a Comment

0 Comments