
નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર
હરિયાણાની જાણીતી ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીએ કોંગ્રેસમાં સામેલ થવા અંગે યુ-ટર્ન લઇ નિવેદન આપ્યું છે કે તે કોંગ્રેસમાં જોડાઇ જ નથી અને અત્યારે ભાજપ સાથે તેની વાતચીત ચાલી રહી છે. સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઇ હોવા અંગે કોંગ્રેસે જ સત્તાવાર જાહેરાત કરી હતી.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સચિવ નરેન્દ્ર રાઠીએ ફોટો દ્વારા જાહેરાત કરી હતી કે સપના ચૌધરી હવે કોંગ્રેસની સદસ્ય છે ઉપરાંત પક્ષના લેટરહેડ સાથે સપનાનું નામ અને તેના હોદ્દા વિશે જાહેરાત કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ઉઠેલા વિવાદના કારણે નરેન્દ્ર રાઠીએ સપના ચૌધરીની સદસ્યતાના પુરાવાઓ જાહેર કર્યા હતા અને નિવેદન આપ્યું હતું કે શનિવારે સપનાએ સદસ્યતા ફોર્મ ભર્યું હતું, આ ફોર્મ પર તેની સહી પણ છે. તેમની બહેન પણ પક્ષની સદસ્ય બની છે, અને તેનું ફોર્મ પણ અમારી પાસે છે. આ ઉપરાંત અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બરે પણ ટ્વિટ કરી સપનાને અભિનંદન આપ્યા હતા અને પક્ષમાં સ્વાગત કર્યુ હતુ.
સપના કોંગ્રેસ તરફથી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાની ચર્ચાએ છેલ્લાં ત્રણ-ચાર દિવસોમાં જોર પકડયું છે. જો કે આજે તેણે નિવેદન આપી ચર્ચાને નવો વળાંક આપ્યો છે.બીજી તરફ સપનાંએ તેના આજના એક ઇન્ટર્વ્યૂમાં કોંગ્રેસમાં જોડાવની વાતને નનૈયો આપ્યો હતો અને કહ્યું હતું કે તે કોઇ પક્ષમાં જોડાઇ નથી. સદસ્યતા ફોર્મ ખોટું પણ હોઇ શકે છે. પ્રિયંકા ગાંધી સાથેની તસવીરો વિશે તેણે કહ્યું હતું કે પ્રિયંકા સેાથેની તેની તસવીરો જૂની છે.
તેણે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અય્યક્ષ રાજ બબ્બરના ઘરે કોંગ્રેસ પ્રવેશ કર્યો છે તેવા કોંગ્રેસના દાવાને નકારતા સપનાએ કહ્યું છે કે તે રાજ બબ્બરને મળી જ નથી. જો કે તે મનોજ તિવારીના માધ્યમથી ભાજપના સંપર્કમાં હોવાની કેફિયત આપી છે, પરંતુ તે લોકસભા ચૂંટણી લડવાનો કોઇ વિચાર નથી તેવું પણ અંતે ઉચ્ચાર્યું છે. તેણે અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે તે એક કલાકાર છે અને તમામ પક્ષો તેના માટે એકસમાન છે.
સદસ્યતા ફોર્મ ખોટું હોવાના સપનાનાં દાવા બાદ કોંગ્રેસ આક્રમક સ્વરૃપમાં આવી છે. જો કે મેમ્બરશીપ ફોર્મમાં સપનાની સહી છે ઉપરાંત તેની સદસ્યતાનું સમર્થન કરતી અન્ય વિગતો છે. તેના આ નિવેદન પછી ઉત્તર પ્રદેશ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે. અને બન્ને તરફ એકબીજાને ખોટા ઠેરવવા નિવેદનો અપાઇરહ્યા છે.
ટ્વિટર પર ટ્રોલ કરનારાઓને સપનાનો જવાબ
સપના ચૌધરી કોંગ્રેસની ટિકિટ પરથી મથુરા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની છે તેવી વાત ઘણાં દિવસોથી ચર્ચાઇ રહી છે. જો કે આ ચર્ચા પર ભાજપ સમર્થિત ઘણાં ટ્વિટર એકાઉન્ટ પરથી સપનાને ટ્રોલ કરી બિભત્સ ડાન્સર ઠેરવી અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરી ઘણી ટ્વિટ દ્વાકરવામાં આવી હતી. જો કે આ આ પ્રકારની ભાષા ઉપયોગ કરનારા ટ્રોલ એકાઉન્ટને તેમની માનસિકતા પર વિચાર કરવા માટે સપનાંએ ટ્વિટ દ્વારા અપીલ કરી હતી ઉપરાંત આ પ્રકારના લોકોને ભગવાન સદબુદ્ધિ આપે તેવું પણ ટ્વિટમાં લખ્યું હતું. સપનાંની આ ટ્વિટના સમર્થમાં બોલિવૂડ અને રાજકારણી ઘણી જાણીતી હસ્તીઓએ નિવેદન અને ટ્વિટ કર્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UTV6pq
via Latest Gujarati News
0 Comments