(પીટીઆઇ) અમેઠી,તા.27 માર્ચ 2019,બુધવાર
પોતાના ભાઇ રાહુલ ગાંધીના મત વિસ્તારમાં પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ પક્ષના કાર્યકરોને ભાજપની જુમલાબાજી અંગે લોકોને જાણ કરવા હાકલ કરી હતી અને કાર્યકરોને છેક આંતરિયાળ ગામડાઓમાં જઇ લોકોને આ વાત સમજાવવા કહ્યું હતું.
પક્ષના હમારા બુથ હમારા ગૌરવ કાર્યક્રમ હેઠળ બુથ કક્ષાના કાર્યકરો સાથે સંવાદ કરવા લખનઉ થઇને અત્રે આવેલા પ્રિયંકા ગાંધી લગભગ બે કલાક સુધી અમેઠીના પ્રતિનીધીઓ સાથે રહ્યા હતા.
આ સાથે જ ઉત્તર પ્રદેશમાં તેમના ચૂંટણી પ્રચારના બીજા તબક્કાની શરૃઆત થઇ હતી. વાદળી સાડીમાં સજ્જ હાથમાં માઇક લઇને કોંગ્રેસી નેતાએ ગ્રામીણો વચ્ચે મધ્યમાં બેસી વાતો કરી હતી. અમેઠીની બેઠક વર્ષોથી ગાંધી પરિવારની પોતિકી રહી છે.લોકો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કાર્યકરોને કહ્યું હતું કે ભાજપની જુમલાબાજીથી લોકોને પરિચીત કરાવવા અને તેની સચ્ચાઇ બતાવવા ગામડાઓ સુધી જાવ અને લોકો સમક્ષ તેમને ઉઘાડા પાડો.
બેઠકમાં હાજર રહેલા પક્ષના કાર્યકરોએ પાછળથી કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીએ શાંતિથી અમારી વાત સાંભળી હતી અને પક્ષના બુથ કક્ષાના કાર્યકરોને કેવી રીતે લોકોને સમજાવવા તે પણ કહ્યું હતું.'જ્યાં સુધી ભાજપ સરકારની નિષ્ફળતાની લોકોને જાણ નહીં કરીએ ત્યાં સુધી તેમને સચ્ચાઇની કેવી રીતે ખબર પડશે? પૂર્વ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે લોકોએ અને અમેઠીએ નોટબંધીના કારણે અનેક યાતનાઓ સહન કરી છે.
તેમણે કહ્યું હતું કે રખડતી ગાયોના ત્રાસ, મનરેગાને રોકવાનો પ્રયાસ અને ફુડ પાર્ક અને ઇન્ડિયન ઇન્સટીટયુટ ઓફ ટેકનોલોજીના છીનવાઇ જવાથી અમેઠીની જનતાને ખૂબ સહન કરવું પડયું હતું. માત્ર કોંગ્રેસના શાસનમાં જ દેશે પ્રગતિ કરી હતી અને મિસાઇલથી લઇ માચીસના બોક્સ સુધી બનાવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FE8mt4
via Latest Gujarati News
0 Comments