નવી દિલ્હી,તા.27.માર્ચ 2019, બુધવાર
અંતરિક્ષમાં સેટેલાઈટને મિસાઈલ થકી તોડી પાડવાની સિધ્ધિ મેળવનાર ભારત વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો છે.આ શક્તિ અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ હતી.
માત્ર ત્રણ જ મિનિટમાં ભારતની એન્ટિ સેટેલાઈટ મિસાઈલે લો અર્થ ઓરબિટમાં ફરી રહેલા અગાઉથી નક્કી થયેલા સેટેલાઈનો શિકાર કર્યો હતો.આ સેટેલાઈટ પૃથ્વીની ઉપર 300 કિલોમીટરના અંતરે હતો.
જે મિસાઈલથી સેટેલાઈટને તોડી પાડવામાં આવ્યો છે તેને એ સેટ એટલે કે એર લોન્ચ એન્ટી સેટેલાઈટ મિસાઈલ પણ કહે છે.
જોકે હજી સુધી દુનિયામાં એવી પરિસ્થિતિ સર્જાઈ નથી કે દુશ્મન દેશના સેટેલાઈટને તોડી પાડવા માટે આ પ્રકારના મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.અગાઉ ત્રણે દેશોએ પોતાની ટેકનોલોજિકલ ક્ષમતા દેખાડવા માટે એન્ટી સેટેલાઈટ વેપનનુ ટેસ્ટિંગ કર્યુ છે.
સ્પેસ વોરમાં તાકાત બતાવવાની શરુઆત 50ના દાયકામાં થઈય હતી.જ્યારે રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડવાની તાકાત બતાવ્યા બાદ અમેરિકન એરફોર્સે એર લોન્ચ એન્ટી સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમ પર કામ શરુ કર્યુ હતુ.
આ ટુ સ્ટેજ મિસાઈલ હોય છે.આ મિસાઈલની ટોચ પર મિનિએચર હોમિંગ વ્હિકલ ફિટ કરાયેલુ હોય છે.મિસાઈલનો પહેલો સ્ટેજ અલગ થાય તે બાદ મિસાઈલને સેટેલાઈટ સુધી દોરી જવાનુ કામ મિનિએચર હોમિંગ વ્હિકલ કરે છે.જે સીધુ સેટેલાઈટ સાથે અથડાઈને તેને નષ્ટ કરી દે છે.જોકે અમેરિકાએ 80ના દાયકામાં થોડા સમય માટે આ પ્રોગ્રામને અભરાઈએ ચઢાવી દીધો હતો.
1985માં અમેરિકાએ એક એફ-15 ફાઈટર જેટને એન્ટી સેટેલાઈટ મિસાઈલ સાથે રવાના કર્યુ હતુ.38000 ફૂટની ઉંચાઈએ પહોંચીને વિમાને મિસાઈલને લોન્ચ કરી હતી.આ મિસાઈલે અમેરિકાના એક સેટેલાઈને તોડી પાડ્યુ હતુ.આ જ રીતે 2008માં અમેરિકાના નૌકા જહાજ પરથી ફાયર કરાયેલી મિસાઈલે નકામા થઈ ચુકેલા જાસૂસી સેટેલાઈટને ટાર્ગેટ કર્યુ હતુ.
પાડોશી દેશ ચીને 2007માં જ આ ટેકનોલોજીનુ પરિક્ષણ કરીને ખરાબ થઈ ગયેલા હવામાન સેટેલાઈટનો ખાત્મો બોલાવ્યો હતો.આ માટે ચીને એસસી-19 પ્રકારની મિસાઈલનો ઉપઓગ કરાયો હતો.
ચીને 2005, 2006, 2010 અને 2013માં પણ આ પ્રકારના પરિક્ષણ કર્યા હોવાના પૂરાવા મળ્યા છે.ગયા વર્ષે ફેબ્રુઆરી 2018માં પણ ચીને એન્ટી સેટેલાઈટ વેપન તરીકે એક બેલેસ્ટિક મિસાઈલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UePKrY
via Latest Gujarati News
0 Comments