નવી દિલ્હી, તા.૨૬
ઘરઆંગણે શરૃ થઈ રહેલી ઈન્ડિયન ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ભારતનો મદાર પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત જેવા ટોચના સ્ટાર્સ પર રહેશે. ઈન્ડિયન ઓપન સુપર ૫૦૦ ટુર્નામેન્ટમાં સાયના નેહવાલ ઈજાગ્રસ્ત હોવાથી રમી રહી નથી. જોકે ભારતના ટોચના ખેલાડીઓને આ ટુર્નામેન્ટ થકી ફરી જીતની રાહ પર આગળ વધવાની આશા છે.
ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ કહ્યું કે, ચાલુ વર્ષે હું ખાસ પ્રભાવ પાડી શકી નથી. મારો દેખાવ સરેરાશ રહ્યો છે. ઈન્ડિયન ઓપનમા ભાગ લીધા બાદ હું મલેશિયા અને સિંગાપોરમાં યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છું. આ પછી આવતા વર્ષના ઓલિમ્પિક માટેના ક્વોલિફાઈંગ મુકાબલા શરૃ થશે. હું ધીરે ધીરે લય મેળવવા તરફ આગળ વધી રહી છું.
ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં સિંધુને પહેલા જ રાઉન્ડમાં આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. જોકે સિંધુએ ઊમેર્યું કે, મારા માટે આ હાર આઘાતજનક રહી, કારણ કે હું ઘણી સારી તૈયારી સાથે ત્યા રમવા પહોંચી હતી. જોકે આ હારમાંથી મને સબક મળ્યો છે.
મેન્સમાં ભારતનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સુપરસ્ટાર શ્રીકાંત છેલ્લા ૧૭ મહિનાથી એક પણ ટાઈટલ જીતી શક્યો નથી. જોકે તે આ નિરાશાજનક રેકોર્ડનો અંત આણવા માટે ઉત્સુક છે. તેણે કહ્યું કે, હું મારી રમત પર વિશેષ ધ્યાન આપી રહ્યો છું. ખાસ કરીને ઓલિમ્પિક નજીક આવી રહ્યા છે, ત્યારે હું ફરી આગવી રિધમ મેળવવા માટે બેતાબ છું.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uDOost
via Latest Gujarati News
0 Comments