નવી દિલ્હી, તા. 27 માર્ચ, 2019, બુધવાર
અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે ભારતને વેપાર મોરચે ખાસ કરીને કૃષિ નિકાસમાં લાભ થશે તેવી આશા ફળીભૂત થયાનું જણાતું નથી.
સોયાબીન, ખોળ તથા રાયડા ખોળ જેવી કૃષિ કોમોડિટીઝને ચીનમાં સારી બજાર મળી રહેશે એવી ધારણાં ખાસ સફળ રહી નથી. આ પેદાશોની ખરીદી માટે ચીન ભારતને બદલે બ્રાઝિલ તથા આર્જેન્ટિના તરફ નજર દોડાવી રહ્યું છે.
આ કૃષિ માલોનો ભારત વિશ્વસ્નિય પૂરવઠેદાર નહીં હોવાની વૈશ્વિક બજારમાં તેની પડેલી છાપને કારણે ચીન અન્ય દેશો ખાતેથી આ માલની આયાત કરી રહ્યું છે. વેપાર યુદ્ધને કારણે ઊભી થયેલી તક ગુમાવી દેવા બદલ સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સોપા)એ અફસોસ વ્યકત કર્યો હતો.
સામાન્ય રીતે ચીન અમેરિકા પાસેથી સોયાબીન ખરીદતું હતું, પણ બન્ને દેશો વચ્ચે ટેરિફ વોરને કારણે ભારતને તક ઊભી થશે એવી અપેક્ષા રખાતી હતી પરંતુ ચીને ભારત માટે પોતાના દરવાજા ખોલવાને બદલે તે આર્જેન્ટિના ખાતેથી માલ ખરીદી રહ્યું છે, એમ સોપાના સુત્રોએ જણાવ્યું હતું.
ધ સોલવન્ટ એકસટ્રેકટર્સ' એસોસિએશને અગાઉ જણાવ્યું હતું કે, ચીન ખાતે સોયા ખોળની નિકાસ શરૂ થવામાં લાંબો સમય લાગી શકે એમ છે કારણ કે, ચીનના સત્તાવાળાઓ દ્વારા અહીંના એકમોની નિરીક્ષણ અને મંજુરી કરવાની બાકી છે. રાયડા ખોળના કિસ્સામાં પણ ઓર્ડરો મળતા નહી હોવાનું એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
ચીન ભારત ખાતેથી રાયડા ખોળની આયાત શા માટે નથી કરતું તેનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી. ચીનના સત્તાવાળાઓએ તો પાંચ જેટલી ફેકટરીનું નિરીક્ષણ કરી તેને મંજુરી પણ આપી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HWWm7Q
via Latest Gujarati News
0 Comments