537 ભારતીયો પાકિસ્તાનની અને 347 પાકિસ્તાનીઓ ભારતની જેલમાં કેદ
(પીટીઆઈ) કરાચી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ સદભાવનાના પ્રતિકરુપે રવિવારે પાકિસ્તાને ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. ભારતીય કેદીઓને પાકિસ્તાને લાહોર જતી ટ્રેનમાં બેસાડયા જ્યાંથી તેમને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે.
પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વ્યાપેલો છે તેથી સદભાવનાના પ્રતિકરુપે રવિવારે પાકિસ્તાને ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદીઓને ભારે સુરક્ષા વચ્ચે કરાચી છાવણી રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને લાહોર લઈ જતી અલ્લમ ઈકબાલ એક્સપ્રેસમાં બેસાડવામાં આવ્યા હતા.
લાહોરથી તેમને વાઘા બોર્ડર લઈ જવાયા અને સોમવારે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. પાકિસ્તાનની જળ સીમામાં ઘૂસવાના અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમાના ઉલ્લંઘન બદલ પાકિસ્તાને ભારતીય માછીમારોને કેદી બનાવ્યા હતા.
પાકિસ્તાન દ્વારા શુક્રવારે ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ સદભાવનાના પ્રતિકરુપે ચાલુ મહિના દરમિયાન ચાર તબક્કામાં ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરશે જે પૈકીના મોટા ભાગના માછીમારો છે. ભારત પરત ફરી રહેલા ૧૦૦ માછીમારોને પાકિસ્તાનના બિનનફાકારી સમાજ કલ્યાણ સંગઠન ઈધી ફાઉન્ડેશન દ્વારા યાત્રા ખર્ચ અને ભેટ આપવામાં આવી હતી.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે શુક્રવારે જણાવ્યું હતું કે, 'અમે સદભાવના દાખવીને આ કરી રહ્યા છીએ અને ભારત તરફથી પણ આ પ્રકારનું પગલું ભરવામાં આવે તેવી આશા રાખીએ છીએ. પાકિસ્તાન ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરશે જે પૈકીના ૩૫૫ માછીમારો છે.'
આગામી ૧૫ અને ૨૨ એપ્રિલના રોજ પાકિસ્તાન વધુ ૧૦૦-૧૦૦ ભારતીય કેદીઓને મુક્ત કરશે અને ૨૯ એપ્રિલના રોજ ચોથા તબક્કામાં ૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરશે. ફૈઝલે જણાવ્યા મુજબ ૩૪૭ જેટલા પાકિસ્તાની કેદીઓ ભારતની જેલમાં બંધ છે અને સામે ૫૩૭ જેટલા ભારતીય કેદીઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાને મુક્ત કરેલા ૧૦૦ ભારતીય કેદીઓને સોમવારે વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. તેમણે પાકિસ્તાનની જેલમાં અમુક મહિના કે અમુક વર્ષો કેદી તરીકે વિતાવેલા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UFeyJU
via Latest Gujarati News
0 Comments