(પીટીઆઈ) નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
દેશની રાજધાની દિલ્હીથી ઓડિશાના ભુવનેશ્વર જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના અનેક મુસાફરોએ રવિવારે સવારે ફુડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી. રેલવે દ્વારા આપવામાં આવતો ખોરાક ખાધા બાદ અનેક ડઝન યાત્રિકોની તબિયત લથડી હતી.
કેન્દ્ર સરકાર રેલવેની સુવિધાઓમાં સુધારા થયા હોવાના દાવા કરે છે પરંતુ હકીકતે રેલવેની સેવાઓમાં કોઈ સુધારો નથી જણાઈ રહ્યો. નવી દિલ્હીથી ભુવનેશ્વર જતી રાજધાની એક્સપ્રેસના મુસાફરોને શનિવારે રાત્રે પેન્ટ્રી કાર દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું. આ ભોજન લીધા બાદ અનેક મુસાફરોની તબિયત લથડી હતી અને તેમણે પેટમાં દુખાવો, ઉલટી વગેરેની ફરિયાદ કરી હતી.
મુસાફરોએ આખી રાત ફુડ પોઈઝનિંગના કારણે થયેલી મુશ્કેલીઓ સહન કરી હતી અને રવિવારે સવારે આઠ કલાકે ગોમો સ્ટેશન પર ધમાલ મચાવી દીધી હતી. રેલવેના પ્રવક્તાએ જણાવ્યા મુજબ ડૉક્ટર્સની ટીમે ગોમો સ્ટેશન પર મુસાફરોની તપાસ કરી હતી. ત્યાર બાદ બોકારો સ્ટેશન પર પણ એક ડૉક્ટરે મુસાફરોની સારવાર કરી હતી અને આગળની મુસાફરીમાં સાથે જોડાયા હતા.
ટાટા નગર સ્ટેશન પર પણ ફરીથી મુસાફરોની તપાસ કરવામાં આવી હતી અને તમામ યાત્રિકો સ્વસ્થ હોવાની ખાતરી કરાઈ હતી. કોઈ મુસાફરને ટ્રેનમાંથી ઉતારવાની જરુર નહોતી પડી. પેન્ટ્રી કારની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ભોજનની ગુણવત્તા તપાસવા માટે તેના નમૂના લેવામાં આવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IklWUb
via Latest Gujarati News
0 Comments