(પીટીઆઈ) નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
પશ્ચિમી ઉત્તર પ્રદેશના દેવબંદમાં રવિવારે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના મહાગઠબંધનની સંયુક્ત રેલી યોજાઈ હતી. આ મહારેલીને સંબોધિત કરતી વખતે બસપા સુપ્રીમો માયાવતીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ખરાબ નીતિઓના કારણે ભાજપની આકરી હાર થશે તેવી આગાહી કરી હતી.
સહરાનપુરના દેવબંદ ખાતે રવિવારે સપા, બસપા અને આરએલડીના મહાગઠબંધનની સંયુક્ત મહા રેલી યોજાઈ હતી. આગામી ૧૧મી એપ્રિલથી શરુ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકો માટે સાતેય તબક્કામાં મતદાન યોજાશે. રેલીમાં માયાવતીએ ભાજપના કારમા પરાજયની આગાહી કરી હતી.
માયાવતીએ જણાવ્યું કે, અગાઉની કોંગ્રેસ સરકાર પણ પોતાની ખરાબ નીતિઓને કારણે સત્તામાંથી બહાર થઈ ગઈ હતી અને કોંગ્રેસની માફક ભાજપ સરકારે પણ તેના ખોખલા વાયદાઓ અને ખરાબ નીતિઓને કારણે સત્તા ગુમાવવાનો વારો આવશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેં ભી ચોકીદાર કેમ્પેઈન પર નિશાન સાધીને ચોકીદારી અને જુમલાબાજીથી ભાજપ મત મેળવવામાં સફળ નહીં થાય તેમ કહ્યું હતું.
માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન પર લઈને કહ્યું કે, તેઓ પોતે આપેલા વચનો નિભાવવામાં નિષ્ફળ નીવળ્યા છે. લોકોેને ગેરમાર્ગે દોરીને અને ખોખલા ઉદ્ધાટનો કરીને ભાજપને સત્તા નહીં મળે. ભાજપે હજારો કરોડ રુપિયા પોતાના પ્રચાર પાછળ ખર્ચ્યા છે પરંતુ તે રુપિયાની મદદથી લોકોના કલ્યાણ માટેના અનેક કામો થઈ શકે તેમ હતા.
જો ભાજપ ગંભીરતાથી કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતું હોત તો સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થઈ તેના ઘણા સમય પહેલા જ અનેક પ્રોજેક્ટ પૂરા થઈ શકે તેમ હતા. તેમણે ભાજપને સત્તામાં ન આવવા દેવા માટે લોકોને અપીલ કરી હતી. તેમણે રેલીમાં ઉપસ્થિત વિશાળ જનમેદનની ભાજપના ઘોષણા પત્રની જાળમાં ફસાયા વગર ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે હાકલ કરી હતી.
માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સત્તામાંથી દૂર કરવા માટે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી અને સાથે જ મુસ્લીમ સમૂદાયને લાગણીના આવેશમાં કોંગ્રેસના ઉમેદવારને મત ન આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું ક,ે કોંગ્રેસ પાર્ટીએ સહરાનપુરમાં ઈમરાન મસૂદને ટિકિટ આપીને મુસ્લીમ લોકોના મતમાં ભાગ પડાવવાનું કાવતરું ઘડયું છે.
કોંગ્રેસ પાર્ટીએ ભાજપને મદદરુપ થવાના ષડયંત્રના ભાગરુપે અને ગઠબંધનને હરાવવા માટે ઉમેદવાર ઉભો રાખ્યો છે પંરતુ તમે બધા મહાગઠબંધનના ઉમેદવારને જ ટેકો આપજો. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાના જોરે ચૂંટણી લડી રહી છે પરંતુ તે ભાજપને હરાવી શકે તેમ નથી માટે મતમાં ભાગલા પડાવશે જ્યારે મહાગઠબંધન જ ભાજપને હરાવી શકે તેમ છે માટે મુસ્લીમ સમૂદાય ગઠબંધનને જ મત આપે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G6elag
via Latest Gujarati News
0 Comments