
- સ્થાનિક પ્રશ્નો ન ઉકેલાતા ગુસ્સામાં 1033 લોકોએ ચૂંટણીમાં ઝંપલાવેલું
ચેન્નાઇ,તા.તા,23 એપ્રિલ 2019, મંગળવાર
લોકશાહીમાંં આમ તો લાયકાત ધરાવતા દરેક નાગરિકને ચૂંટણીમાં ઉભા રહેવાનો અને મતદાન કરવાનો અધિકાર છે પરંતુ જો કોઇ ચૂંટણીમાં ૧૦૦૦ કરતા પણ વધુ ઉમેદવારો ઉભા રહે તો લાંબા બેલેટ પેપર સાથે ચૂંટણી યોજવીએ મોટી સમસ્યા બની જાય. ૧૯૯૬માં તામીલનાડુમાં યોજાયેલી મોડાકુરુચી વિધાનસભા બેઠક પર૧૦૩૩ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણીને રસપ્રદ બનાવી હતી.
એ સમયે આ વિધાનસભા બેઠક પેરિયાર જિલ્લાના ઇરોડ લોકસભા મતક્ષેત્રમાં આવતી હતી. મોડાકુરુચી બેઠક પર વીજળી અને પાણીને લગતા સ્થાનિક પ્રશ્નોની ભરમાળ હોવાથી ગુસ્સામાં આવીને ૧૦૩૩ નાગરીકોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. મુખ્ય રાજકિય પક્ષોના ઉમેદવારોનો વિરોધ કરવાનો આ એક ઉપાય હતો. બન્યું એવું કે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ આવી છતાં એક પણ ફોર્મ પાછું ન ખેંચાતા ચુંટણીતંત્રની મુશ્કેલી વધી ગઇ હતી.
સૌથી પહેલા તો આટલા બધા ઉમેદવારો ઉભા હોય એટલે બેલેટ પેપરના સ્થાને મોટું પુસ્તક છપાવવું પડે. આ પુસ્તકના પાના ફેરવીને લોકો પોતાનો ઉમેદવાર શોધીને સરળતાથી મત કેવી રીતે આપે એ પણ મોટી સમસ્યા હતી. ૧૦૦૦ થી વધુ ઉમેદવારોને તાત્કાલિક કયાં ચૂંટણી પ્રતિકો ફાળવવા એ પણ મોટી દ્વીધા હતી. આ વિધાનસભાની ચૂંટણી યોજવા માટે વધુ તૈયારીની જરુરીયાત જણાતા તાત્કાલિક ચૂંટણીને સ્થગિત કરવામાં આવી હતી.
ડીએમકેના સુબ્બુલક્ષ્મી જગદિશને 64436 મતોથી જીત મેળવી હતી
કોઇ પણ બેઠક માટે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉભા હોય એ ભારતીય ઇલેકશનના ઇતિહાસનો રેકોર્ડ છે. છેવટે ચૂંટણીતંત્રએ ખૂબજ લાંબી તૈયારીઓ કર્યા પછી ૧૦૩૩ ઉમેદવારોની ચૂંટણી યોજી હતી. જેમાં અપેક્ષા મુજબ જ મતદારોને પુસ્તક સ્વરુપના બેલેટ પેપરમાં ઉમેદવાર શોધવામાં ખૂબજ મુશ્કેલી પડી હતી.
એ સમયે મોડાકુરુચી વિધાનસભાના પરીણામો પર સૌનું ધ્યાન ખેંચાયું હતું. મત ગણતરી વખતે પણ ખૂબજ વાર લાગતી હતી. છેવટે આવેલા પરીણામ મુજબ આ બેઠક પર દ્વવીડ મુનેત્ર કઝગમના સુબ્બુલક્ષ્મી જગદિશને, અન્ના દ્રુમુકના આર એન કિટ્ટુસ્વામીને હરાવીને વિજય મેળવ્યો હતો. આ વિખ્યાત ઇલેકશનમાં વિજેતા ઉમેદવાર સૂૂૂબ્બુલક્ષ્મીને ૬૪૪૩૬ અને હરિફ ઉમેદવાર કિટ્ટુસ્વામીને ૨૪૯૯૬ મત મળ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PrCFXa
via Latest Gujarati News
0 Comments