1893માં ન્યૂઝીલેન્ડે સૌ પ્રથમવાર મહિલાઓને મતાધિકાર આપ્યો હતો



- 1947માં ભારત આઝાદ થતા જ મહિલાઓને મતાધિકાર અપાયો હતો

વોશિંગ્ટન, તા,23 એપ્રિલ 2019, મંગળવાર

આધૂનિક વિશ્વમાં મહિલાઓનેે ચૂંટણીમાં ભાગ લઇને મતદાન આપવાનો અધિકાર ઇસ ૧૮૯૩માં ન્યૂઝીલેન્ડ દેશે આપ્યો હતો. એ પહેલા મહિલાઓનેે મતદાનનો કોઇ જ અધિકાર ન હતો. ન્યુઝીલેન્ડની સત્તાવાર વેબસાઇટમાં જણાવ્યા મુજબ ૨૮ નવેમ્બર ૧૮૯૩માં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો હતો.

ઇસ ૧૮૯૧માં મહિલાઓના મતાધિકાર માટે કેટ શેફર્ડ નામના એક સોશિયલ એકટિવિસ્ટે આંદોલન ચલાવ્યું હતું. બે વર્ષ સુધી આંદોલન ચાલ્યા પછી ન્યૂઝીલેન્ડ સરકારે કેટ શેફર્ડની માંગણીનો સ્વીકાર કર્યો હતો. આ માટે ન્યૂઝીલેન્ડ સરકારે વૂમન સફરેજ ઇલેકટ્રોલ બીલ પસાર કર્યું હતું. આ બીલમાં મત અધિકાર આપવાથી મહિલાઓને થતો અન્યાય દૂર થશે એવું નોંધવામાં આવ્યું હતું. 

જો કે ન્યૂઝીલેન્ડ પહેલા કેટલાક દેશોએ મહિલાઓને મતદાનનો હકક આપ્યો હતો પરંતુ જે મહિલા પાસે પોતાના નામે વધારે સંપતિ હોય તે જ મતદાનમાં ભાગ લઇ શકે તેવો નિયમ કર્યો હતો. જયારે ન્યૂઝીલેન્ડ વિશ્વનો પહેલો દેશ કે જેણે કોઇ પણ પ્રકારની શરત કે ભેદભાવ વિના મહિલાઓને મતાધિકાર આપ્યો હતો. વિશ્વમાં ભલે મહિલા સશકિતકરણ અને અધિકારોની વાતો થતી હોય પરંતુ મહિલાઓને મત જેવો પાયાનો અધિકાર આપ્યાને ૧૦૦ વર્ષથી વધારે સમય થયો નથી.

ન્યૂઝીલેન્ડના પગલે પાડોશી દેશ ઓસ્ટ્રેલિયાએ ૧૯૦૨માં મહિલાઓના મતાધિકારને અમલમાં મૂકયો હતો. એટલું જ નહી મહિલાને ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા રહેવાની પણ છૂટ આપી હતી. ૧૯૦૪માં જર્મનીના બર્લિન ખાતે મહિલા મતાધિકાર સંગઠનની સ્થાપના થઇ હતી. યૂરોપમાં ફિનલેન્ડ દેશે ૧૯૦૬ અને સ્કેનેડિયન દેશ નોર્વેએ ૧૯૧૩માં મહિલાઓને વોટિંગ કરવાનો કાયદો પસાર કર્યો હતો.

એ જાણીને નવાઇ લાગશે કે આજના સુપર પાવર અમેરિકામાં ઇસ ૧૯૧૯માં મહિલાઓને મતાધિકાર આપતો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભારતમા બ્રિટીશરોના રાજમાં પ્રાંતિક સ્વરાજની ચૂંટણીઓ સીમિત ધોરણે થતી હતી પરંતુ તેમાં મહિલાઓને મત આપવાની જોગવાઇ ન હતી.૧૯૪૭માં ભારત આઝાદ થતા તરત જ મહિલાઓના મત આપવાના અધિકારનો અમલ કરવામાં આવ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GtVLrV
via Latest Gujarati News

Post a Comment

0 Comments