1962માં વિલોપ્ય ઇન્કનો પ્રથમવાર ઉપયોગ શરુ થયો હતો



2004 પછી આંગળી પર ટપકાના સ્થાને એક લાંબી રેખા દોરાય છે, મતદાન પછી આંગળી પર ઇન્કનું નિશાન 20 દિવસ સુધી રહે છે 

નવી દિલ્હી તા,23 એપ્રિલ 2019, મંગળવાર

મતદાનની સાક્ષી ગણાતી વિલોપ્ય (ઇનડિલાયબિલ) ઇન્ક કર્ણાટક રાજયના મૈસૂરમાં તૈયાર કરવામાં આવે છે. જે મતદાન દરમિયાન દરેક મતદારની તર્જની પર લગાવવામાં આવે છે.  વિશ્વમાં લોકશાહી ધરાવતા દેશોમાં છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય શાહીની ખૂબજ ડિમાંડ છે. શાહી બનાવતી મૈસૂર પેન્ટ એન્ડ વોર્નિસ લિમિટેડ કંપની કર્ણાટક સરકાર હસ્તક છે.

 મૈસૂરના મહારાજા દ્વારા ૧૯૩૭માં સ્થાપિત કરવામાં આવી ત્યારે તેનું નામ મૈસૂર લેક એન્ડ પેઇન્ટ લિમિટેડ હતું. આઝાદી પછી આ કંપનીને સાવર્જનિક ક્ષેત્રના સાહસનો દરજ્જો મળ્યો હતો. ૧૯૬૨માં આ કંપનીને શાહી બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. ભારતની ત્રીજી લોકસભા ચૂંટણી દરમિયાન ૧૯૬૨માં વિલોપ્ય ઇન્કનો પ્રથમવાર ઉપયોગ શરુ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૧૯માં લોકસભા ઇલેકશનમાં ૯૦ કરોડ મતદારોના ઉપયોગ માટે ૩૩ કરોડ રુપિયાની શાહી લાવવામાં આવી છે. વાદળી રંગની શાહી ૨૮ લાખ બોટલોનો ચૂંટણી પંચ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો છે. જે ગત ૨૦૧૪ના ઇલેકશન કરતા ૪.૫ લાખ બોટલો વધારે છે. 

દરેક બોટલમાં ૧૦ મીલિ શાહી હોય છે. એક બોટલમાંથી ૩૫૦ મતદાતાઓની આંગળી પર નિશાન કરી શકાય છે. ૨૦૦૪ સુધી આંગળી પર માત્ર એક ટપકું કરવામાં આવતું હતું પરંતુ તે પછી ચૂંટણી પંચે શાહીથી એક લાંબી રેખા દોરવાનું નકકી કર્યુ છે. દરેક પોલિંગ બૂથને બે શાહી બોટલ આપવામાં આવે છે. સૌથી વધુ ૩ લાખ બોટલ ઉત્તરપ્રદેશ રાજયમાં જયારે સૌથી ઓછી લક્ષદ્વીપમાં ૨૦૦ બોટલ વપરાય છે. ૨૦૦૯ના શાહીની કિંમત ૧૨ કરોડ રુપિયા થઇ હતી તેની  સરખામણીમાં સ્યાહીના કિંમતમાં ૩ ગણો વધારો થયો છે. 

વિશ્વના ૨૮થી પણ વધુ દેશોમાં વિલોપ્ય ઇન્કની નિકાસ થાય છે 
તૂર્કી, દક્ષિણ આફ્રિકા, નાયજેરિયા, નેપાલા, ઘાના, પાપુઆ ન્યુગીની, બુર્કિના ફાસો, કેનેડા, ટોન્ગો, સિએરા લિઓન, મલેશિયા અને કંબોડિયા સહિત વિશ્વના ૨૮ થી પણ વધુ દેશોમાં નિકાસ કરે છે. ૨૦૧૨માં કંબોડિયામાં થયેેલી ચૂંટણી માટે ભારતમાંથી શાહી મોકલવામાં આવી હતી. આ અમિટ શાહી બનાવવાનું કામ ખૂબજ ગોપનિય અને સુરક્ષિત રીતે થાય છે. શાહીની ફોર્મ્યુલા નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે, આ શાહીનું આંગળી પર નિશાન ૨૦ દિવસ સુધી રહે છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XAkNwg
via Latest Gujarati News

Post a Comment

0 Comments