
રાજ્યમાં 2.34 કરોડ પુરુષ અને 2.16 કરોડ મહિલાઓએ મત આપ્યા : પ્રધાનમંત્રી સહિત આચારસંહિતાના ભંગની કુલ 43 ફરિયાદ
રાજ્યમાં વલસાડમાં સૌથી વધુ 74.09 ટકા મતદાન જ્યારે સૌથી ઓછું 55.73 ટકા અમરેલીમાં
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
સત્તરમી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતની ૨૬ બેઠકો પર કુલ ૬૩.૬૭ ટકા મતદાન થયું હતું. ઇવીએમ ખોટકાઈ જવાના થોડા ગણા બનાવોને કારણે મતદાતાઓની હાલાકીમાં વધારો થવાની ઘટનાઓને બાદ કરતાં સમગ્રતયા ગુજરાતમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.
ગુજરાતમાં ૨.૩૪ કરોડ પુરુષ મતદારો અને ૨.૧૬ કરોડ મહિલા મતદારોમાંથી ૬૩.૬૪ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં ૧૦,૦૬,૮૫૫ યુવાનો પહેલીવાર મતાધિકારને પાત્ર બન્યા હતા. આજના મત દાનની પૂર્ણાહૂતિ સાથે જ લોકસભાની ૩૦૨ બેઠકો માટેનું મતદાન પૂરું થઈ ગયું છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ૬૩.૮૯ ટકા મતદાન થયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના વિધાનસભ્ય વિભાવરી દવે સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ હતી. વિભાવરી દવેએ મતદાન કેન્દ્રમાં જ ભાજપ તરફી નારાઓ લગાવ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદીએ લોકોની મોટી મેદનીને જોઈને તેને લગભગ રોડ શૉમાં ફેરવી નાખીને મતદારોને આકર્ષવાની કવાયત કરી હોવાનું કોન્ગ્રસની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા આવ્યા તે પૂર્વે તેમની માતા હીરા બાના આશીર્વાદ લેવા તેમના નિવાસ સ્થાને ગયા હતા.
પરિણામે તેઓ ૭.૩૦ને બદલે ૮.૨૦ના અરસામાં મતદાન કેન્દ્રમાં આવ્યા હતા. તેમને આવકારવા માટે અમિત શાહ સવારે ૭.૩૦ કલાકે તેમની પત્ની, પુત્ર જય અને પુત્ર વધુ તથા પૌત્રી સાથે હાજર થઈ ગયા હતા. તેમણે પણ વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. નરેન્દ્ર મોદી આવતા હોવાથી એકઠી થયેલી માનવ મેદનીને કારણે મતદાન કરવા આવતા લોકોને અડચણ ન પડે તે માટે પગલાં લેવાની સૂચના પણ તેમણે પોલીસને આપી હતી.
આજે સૌથી વધુ મતદાન વલસાડની બેઠક પર ૭૪.૦૯ ટકા થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીની બેઠક પર ૫૫.૭૩ ટકા થયું હતું. સમગ્રતયા ૬૧થી ૭૪ ટકાની મતદાન થયું હતું અને સરેરાશ મતદાન ૬૨.૬૦ ટકા થયું હતું.
આ સાથે જ ગુજરાતમાંથી ચૂંટણી લડી રહેલા ૩૭૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયા છે. જોકે ભાવનગરમાં બોગસ મતદાન થયાની પણ ફરિયાદો થઈ હતી. ભાવનગરના ધ્રફિયાણ વિસ્તારમાં ૧૨ વાગ્યા સુધીમાં ૪૪ ટકાથી વધુ મતદાન થઈ ગયું હોવાનું બહાર આવતા આ ફરિાયદ થઈ હતી.
આરંભમાં મતદાન ધીમું જણાતા આ વખતની ચૂંટણીમાં ઓછું મતદાન થશે તેવી દહેશત લાગવા માંડી હતી. સવારે નવ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાક પછી ૧૦.૩૨ ટકા જ મતદાત થયું હતુ. ચાર કલાક પછી ૧૧ વાગ્યે મતદાનની ટકાવારી ૨૪.૮૭ની જ હતી. તેમ જ એક વાગ્યે ૩૯.૩૪ ટકા જ મતદાન થયું હોવાથી અને ભારે ગરમી હોવાથી મતદાનની ટકાવારી ૫૫થી ૬૦ ટકા વચ્ચે જ રહેશે તેવી દહેશત જાગી હતી.
પરંતુ દિવસાંતે મતદાનની ટકાવારી ૬૪ ટકાને આંબી ગઈ હતી. શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં મતદાન વધુ વેગથી થતું હોવાનું જણાતા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની પ્રજા વર્તમાન શાસકોથી નારાજ હોવાથી કદાચ તેમની વિરુદ્ધ મતદાન થાય તેવી દહેશત પણ જાગી હતી.
ગુજરાતના ઘણાં વિસ્તારમાં ઇવીએમ ખોટકાઈ જવાની ઘટનાઓ પણ બની હતી. સુરતના વેડ ગામે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન-ઇવીએમ ખોટકાઈ જવાની ફરિયાદ થઈ હતી. તેને પરિણામે ભારે ગરમીમાં મતદાન કરવા નીકળેલા મતદાતાઓએ ૩૦થી ૪૫ મિનિટ સુધી મતાધિકારનો ઉપયોગ કરવા માટે રાહ જોવાની ફરજ પડી હતી.
તેની વોટિંગની ટકાવારી પર પણ અસર પડી હોવાનું માનવામાં આવે છે. કચ્છમાં ૪૪ જેટલા ઈવીએમ બગડયા હોવાથી તેમને રિપ્લેસ કરવાની ફરજ પડી હતી. મતદાન માટે ઇવીએમને ઉપયોગ કરતાં પૂર્વે તેમાં કરવામાં આવતા ટ્રાયલ વોટિંગ વખતે પણ ઇવીએમ બગડયા હોવાનું ચૂંટણી કમિશનર મુરલી કૃષ્ણને જણાવ્યું હતું.
જામનગરના ભણગોર ગામના મતદારોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૨૩
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામના તમામ મતદાતાઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. છોટા ઉદેપુરમાં બોડેલીના ચાપરગોટ ગામના મતદાતાઓએ પણ મતદાન ન કરીને સાંસદોની નિષ્ક્રિયતા સામે વિરોધ નોંધાવ્યો હતો. શાસક પક્ષના ઉમેદવારો તેમના કામ જ ન કરતાં હોવાનું જણાવીને તેમણે ચૂંટણીનો બહિષ્ક્રાર કર્યો હતો.
લોકસભાના ઉમેદવારો સમક્ષ વારંવાર રજૂઆત કર્યા છતાંય તેમના કામો ન કર્યા હોવાની ફરિયાદ કરીને નર્મદા જિલ્લાના ૩૧૪ ગ્રામ પંચાયતના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેમણે અલગ ૉગ્રામપંચાયત આપવાની માગણી કરી હતી. રસ્તાના અને વીજળીના કામ ન થતાં હોવાની તેમની ફરિયાદ હતી.
જામનગરના ૧૫૦થી વધુ મતદાતાઓએ પણ તેમને પ્રાથમિક સુવિધા ન આપવામાં આવતી હોવાનું જણાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ જ રીતે આદિવાસી વિસ્તારના ૩૦૦ મતદાતાઓએ પણ તેમના કામ કરી આપવામાં ન આવતા હોવાની ફરિયાદ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XBKpsz
via Latest Gujarati News
0 Comments