
કેરળમાં મતદારોની લાઇનમાં ઉભેલા બે વૃદ્ધો અચાનક પડી જતા મોત
18.56 કરોડ મતદારો માટે કુલ 2.10 લાખ મતદાન મથકો તૈયાર કરાયા હતા
પ. બંગાળમાં તૃણમુલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા થતા લાઠીચાર્જ, એક બુથની બહાર વિસ્ફોટ
નવી દિલ્હી, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
લોકસભાની ચૂંટણીના સાત પૈકી ત્રીજા તબક્કા માટે મતદાન યોજાઇ ગયું હતું, ગુજરાતની બધી જ ૨૬ અને કેરળની પણ બધી ૨૦ બેઠકો પર આ એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે.
કુલ ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની મળીને ૧૧૬ બેઠકો પર મળીને કુલ સરેરાશ ૬૫.૬૧ ટકા મતદાન થયું હતું. જ્યારે પશ્ચિમ બંગાળમાં હિંસામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, અહીં મુરાદાબાદમાં કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.
તો બીજી તરફ કેરળમાં પનુરમાં એક ૬૪ વર્ષીય મહિલા મતદાન માટે લાઇનમાં ઉભા હતા એવામાં અચાનક પડી જવાથી તેમનું મોત નિપજ્યું હતું, તેવી જ રીતે વેદસેરીક્કામાં પણ એક ૮૦ વર્ષીય વૃદ્ધ મત આપવા માટે લાઇનમાં ઉભા હતા એવામાં અચાનક પડી જતા તેમનું મોત નિપજ્યું હતું.
ત્રીજા તબક્કામાં કુલ ત્રણ લોકો માર્યા ગયા હતા જેમા બેની હત્યા કરાઇ હતી જ્યારે બેનું સ્વાસ્થ્ય સંબંધી કારણોસર મોત નિપજ્યું હતું. જે શખ્સની પશ્ચિમ બંગાળમાં હત્યા કરવામાં આવી તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા જ્યારે બે ઘવાયા હતા. પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ પણ થયા હતા. અહીંના બાલુરઘાટમાં એક બુથ બહાર વિસ્ફોટ થયો હતો.
ઇવીએમમાં આ તબક્કામાં પણ ખોટવાવાની અનેક ફરિયાદો સામે આવી હતી. કેરળ, આસામ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહીતના ૧૪ રાજ્યોમાં કેટલાક બુથ પર ઇવીએમ મશીન ખોટવાયા હતા.
અહીં નરેન્દ્ર મોદી, અમિત શાહ, અડવાણી, કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી, કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સહીતના નેતાઓએ મતદાન કર્યું હતું. ગુજરાતમાંથી અમિત શાહ, કેરળમાંથી રાહુલ ગાંધી, ઉત્તર પ્રદેશમાંથી મુલાયમસિંહ યાદવ, કર્ણાટકાથી મલ્લિકાર્જુન ખડગે, તિરુઅનંતપુરમથી શશી થરુર આ વખતે ચૂંટણી લડી રહ્યા છે જેમના ભાવી ઇવીએમમાં કેદ થયા હતા.
રાજ્યો પર નજર કરીએ તો કેરળમાં ૭૧.૬૭, કર્ણાટકમાં ૬૭.૫૬, ઉત્તર પ્રદેશમાં ૬૧.૩૫, મહારાષ્ટ્રમાં ૫૮.૯૮, ગોવામાં ૭૩.૨૩, છત્તીસગઢમાં ૬૪.૬૮, પશ્ચિમ બંગાળમાં ૭૯.૬૭, આસામમાં ૮૦.૭૩, બિહારમાં ૫૯.૯૭, ત્રીપુરામાં ૭૯.૫૭, ઓડિશામાં ૬૦.૪૪ ટકા મતદાન થયું હતું.
કેરળના કન્નુરમાં વીવીપીએટીમાંથી સાપ નિકળ્યો, મતદાન અટકાવવું પડયું
કન્નુર, તા. ૨૩
કેરળના કન્નુરમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. અહીં વીવીપીએટી મશીનમાંથી એક સાપ નીકળ્યો હતો જેને પગલે ચૂંટણી અધિકારીઓ અને મતદારો વચ્ચે દોડધામ થઇ ગઇ હતી. કન્નુર સામાન્ય રીતે સૌથી વધુ મતદાન માટે જાણીતુ છે. જોકે અહીં સાપ નિકળતા થોડા સમય માટે મતદાનને રોકવામાં આવ્યું હતું જે બાદમા ફરી શરૃ કરી દેવાયું હતું.
કન્નુર બેઠક પર વર્તમાન સાંસદ અને સીપીઆઇએમના નેતા પી.કે. સ્રીમથી અને કોંગ્રેસ તેમજ યુડીએફના સુરેન્દર વચ્ચે ટક્કર છે. જોકે આટલા સુરક્ષીત ગણાતા ઇવીએમ મશીનમાં સાપ આવ્યો ક્યાંથી તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો આ સાપ કોઇ મતદાર કે ચૂંટણી કર્મચારીને કરડયો હોત તો મૌત પણ થઇ શક્યું હોત.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ICVCG4
via Latest Gujarati News
0 Comments