
રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં અમે સહી કરી નથી, બે પૂર્વ સૈન્ય વડાઓએ પોતાને વિવાદથી દુર રાખ્યા
અમે સૈન્યના પૂર્વ વડાઓ-અધિકારીઓની સાથે છીએ, મોદી, યોગી અને અન્ય ભાજપના નેતાઓ સામે પગલા લેવા રાષ્ટ્રપતિજીને વિનંતી : કોંગ્રેસ
નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ભારતીય સૈન્યને મોદી સેના ગણાવી હતી, જ્યારે નરેન્દ્ર મોદીએ મતદારોને કહ્યું હતું કે તમારો મત બાલાકોટ એરસ્ટ્રાઇકના જવાનોને અર્પણ કરો.
સૈન્યનો ઉપયોગ રાજનીતી માટે થઇ રહ્યો હોવાના આરોપો વચ્ચે હવે સૈન્યના પૂર્વ વડાઓ, અધિકારીઓ નારાજ થયા છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને સમગ્ર મામલે દખલ દેવા વિનંતી કરી છે અને સૈન્યના નામે થઇ રહેલી રાજનીતીને અટકાવવામાં આવે તેવી માગણી કરી છે. દેશના રાષ્ટ્રપતિ સૈન્યની ત્રણેય પાંખના વડા ગણાય છે તેથી સૈન્યના પૂર્વ વડાઓએ આ પત્ર તેમને લખ્યો છે.
દેશભરના આશરે ૧૫૬ જેટલા પૂર્વ સૈન્ય અધિકારીઓ, વડાઓએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સૈન્ય જે ઓપરેશન કરી રહી છે અથવા બાલાકોટ એરસ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક જેવા ઓપરેશન કર્યા તેનો જશ લેવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.
જ્યારે પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ સૈન્યનો ઉપયોગ પોતાના પોશાકમાં પણ કરવા લાગ્યા છે, સૈન્ય જવાનોનો ઉપયોગ પોસ્ટરમાં થઇ રહ્યો છે ખાસ કરીને વિંગ કમાન્ડર અભિનંદનની તસવીરો ભાજપના પોસ્ટરોમાં જોવા મળી હતી. અગાઉ ચૂંટણી પંચે પણ રાજકીય પક્ષોને ટકોર કરતા કહ્યું હતું કે સૈન્યનો ઉપયોગ પોતાના પ્રચારમાં ક્યાય પણ ન કરે.
થોડા દિવસ પહેલા મોદીએ બાલાકોટ એરસ્ટ્રાઇકનો ઉપયોગ મત મેળવવા કર્યો હોવાની ફરિયાદ પણ ચૂંટણી પંચને મળી છે. યોગી આદિત્યનાથ, મુખ્તાર અબ્બાસ નકવી સામે પણ સૈન્યનો ઉપયોગ રાજકારણમાં કરવા બદલ ફરિયાદ થઇ ચુકી છે. જોકે આ પત્રમાં બે પૂર્વ સૈન્ય વડાઓના નામ છે પણ તેમણે જણાવ્યું હતું કે અમે આ પત્રમાં કોઇ સહી નથી કરી. અને અમે તેમાં સામેલ પણ નથી.
આ સ્થિતિ વચ્ચે હવે સૈન્યના પૂર્વ અધિકારીઓ સૈન્યના બચાવમાં ઉતર્યા છે અને સૈન્ય મુદ્દે થતી રાજનીતી અટકાવવાની માગણી કરી રહ્યા છે. ૧૫૬ જેટલા સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. આ અધિકારીઓમાં આઠ પૂર્વ સૈન્ય વડાઓ જેમ કે જનરલ સુનિત ફ્રાંસિસ, શંકર રોય ચૌધરી, એડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસ, વિષ્ણુ ભાગવત, અરુણ પ્રકાશ, સુરેશ મેહતા, એક ચિફ માર્શલ એનસી સુરીનો સમાવેશ થાય છે.
પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સૈન્યના પૂર્વ અધિકારીઓએ સૈન્યને રાજકારણથી દુર રાખવા માટે રાષ્ટ્રપતિને અપીલ કરવી પડી છે. પોતાની ફરિયાદમાં સૈન્યના આ પૂર્વ અધિકારીઓ, વડાઓએ યોગી આદિત્યનાથે સૈન્યને મોદીજીની સેના ગણાવી તેનો આક્રામક રીતે વિરોધ કર્યો હતો. જોકે જે પત્રમા જે પણ પૂર્વ સૈન્ય અધિકારીઓના નામ છે તેમાં બે અધિકારીઓેએ કહ્યું છે કે અમે કોઇ સહી નથી કરી. જ્યારે કોંગ્રેસે પણ મત મેળવવા માટે સૈન્યનો દુરુપયોગ થતો અટકાવવા માગણી કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IcY2Lr
via Latest Gujarati News
0 Comments