
ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા પૈસા આપનારાના નામ, રકમ સહિતની માહિતી આપવી પડશે
2017-18માં ભાજપને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા 210 કરોડ (94.5ટકા), કોંગ્રેસને પાંચ કરોડ રૃપિયા અને અન્યોને 7 કરોડ મળ્યા : એડીઆરનો રિપોર્ટ
50 દિવસ જ ઇલેક્ટોરલ બોન્ડનો ઉપયોગ થઇ શકશે, 55 દિવસના સરકારના નિર્ણયને પણ સુપ્રીમે પલટયો
નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
રાજકીય પક્ષોને ફંડ મેળવવા માટેના ઇલેક્ટોરલ બોન્ડનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, સુપ્રીમમાં એવી માગણી કરવામાં આવી છે કે જે ઇલેક્ટોરલ બોન્ડ છે તેમાં પક્ષોને પૈસા આપનારાઓના નામ જાહેર કરવામાં આવે. જોકે સરકારે આ માગનો વિરોધ કર્યો હતો.
આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે એક મહત્વપૂર્ણ આદેશ આપતા જણાવ્યું છે કે હવેથી રાજકીય પક્ષોએ પોતાને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલુ ભંડોળ મળ્યું છે તેની જાણકારી આપવી પડશે. જોકે આ સાથે જ સુપ્રીમ કોર્ટે હાલ ઇલેક્ટોરલ બોન્ડ પર સ્ટે મુકવાની ના પાડી દીધી છે.
એક એનજીઓ દ્વારા માગણી કરવામાં આવી હતી કે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા જે પૈસા મેળવવામાં આવી રહ્યા છે તેની જાણકારી જાહેર કરવામાં આવે સાથે કોણ આ પૈસા આપી રહ્યું છે તેના નામો પણ જાહેર કરાય. હાલ આવુ કઇ જ ઇલેક્ટોરલ બોન્ડમાં નથી થઇ રહ્યું માટે તેને રદ કરવામાં આવે તેવી માગણી પણ ઉઠી હતી.
જોકે સુપ્રીમ કોર્ટે હાલ સ્ટે આપવાની ના પાડી દીધી છે પણ જે રાજકીય પક્ષો હાલ ફંડ મેળવી રહ્યા છે તેમણે પોતાને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલુ ફંડ મળ્યું છે તેની જાણકારી એક બંધ કવરમા ચૂંટણી પંચને આપવાની રહેશે. એટલુ જ નહીં કોણે પૈસા આપ્યા છે તેની જાણકારી પણ આપવાની રહેશે. એડીઆરના રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૧૮માં ભાજપને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ૨૧૦ કરોડ (૯૪.૫ ટકા), કોંગ્રેસને ૫ કરોડ રૃપિયા અને અન્યોને ૭ કરોડ મળ્યા હતા.
આગામી ૩૦મી મે સુધીમાં દરેક રાજકીય પક્ષોએ સીલબંધ કવરમાં બોન્ડ દ્વારા મળનારા પૈસાની જાણકારી આપવાની રહેશે. એટલે કે ૧૫મી મે સુધીમાં મળેલી દરેક રકમનો રાજકીય પક્ષોએ હિસાબ આપવો પડશે. અને લોકોના ખાતાની પણ જાણકારી આપવી પડશે. સરકારે આ બોન્ડ જારી કર્યા છે જેને ખરીદીને કોઇ પણ નાગરીક રાજકીય પક્ષોને ભંડોળ આપી શકે છે.
સરકાર એવી માગ કરી રહી હતી કે બોન્ડમાં નામ ગુપ્ત રાખવા જોઇએ, જોકે આ દલિલોને સુપ્રીમે ફગાવી દીધી છે અને નામો સહીતની માહિતી ચૂંટણી પંચને આપવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત બોન્ડ ખરીદનારાઓએ પોતાની બેલેંસ શીટમાં રાજકીય પક્ષોના ખરીદેલા બોન્ડની પણ જાણકારી આપવાની રહેશે.
આ ચૂંટણી બોન્ડને ભારતનો કોઇ પણ નાગરીક એવા રાજકીય પક્ષોને આપી શકશે કે જેને ગત ચૂંટણીમાં કુલ મતના ઓછામાં ઓછા એક ટકા મત મળ્યા હોય. સરકારે બોન્ડ ખરીદવા માટે ૫૫ દિવસનો સમય નક્કી કર્યો હતો, પહેલા આ સમય ૫૦ દિવસનો હતો જેને ૫૫ દિવસ કરાયો હતો. જોકે સુપ્રીમ કોર્ટે આ દિવસો વધારવાના નિર્ણયને રદ કરી દીધો છે તેથી ૫૦ દિવસ જ બોન્ડનો ઉપયોગ થઇ શકશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X646Zh
via Latest Gujarati News
0 Comments