
૧૬મી લોકસભા ૨૪ મે, ૨૦૧૪થી શરૂ થઈ હતી, મે ૨૦૧૯માં પૂર્ણ થશે. નવી સરકાર રચાશે એ સત્તા હાથમાં લેશે. એ દરમિયાન ૧૬મી લોકસભાની કેટલીક ફેક્ટ ફાઈલ..
૯૧ વર્ષના અડવાણી મોટા સાંસદ
૫૪ સાંસદ એડવોકેટ
૯ સાંસદ પ્રોફેસર
૩૦ વર્ષના દુષ્યંત ચૌટાલા યુવા સાંસદ
૨૪૦ બિલ પાસ થયા હતાં
૦૬ સાંસદ શિક્ષક
બહુમતી તો ભાજપની હતી, પણ નાના-મોટા કુલ મળીને ૩૬ પક્ષોના સભ્યો વિજેતા થયા હતા. સ્વાભીમાની પક્ષ, પીએમકે, આરએલડી વગેરે જેવા ૧૧ પક્ષો હતા, જેના એક-એક સભ્યને સંસદમાં જવાની તક મળી હતી. તેની સામે ભાજપના ૨૬૮ સભ્યો હતા.
વિવિધ વ્યવસાય ધરાવતા લોકો સંસદમાં પ્રતિનિધિત્વ કરતા હોય છે. ૧૬મી લોકસભામાં ૧૪૬ સાંસદો કૃષિકાર, ૮૯ સાંસદ સમાજ સેવકો, ૭૨ સાંસદ બિઝનેસ પર્સન, ૫૪ સાંસદ એડવોકેટ, ૨૭ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા, ૩૮, પોલિટિકલ એન્ડ સોશિયલ વર્કર, ૯ પ્રોફેસર, ૭ ફિલ્મ કલાકાર, ૬ શિક્ષક... એમ વિવિધ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાંસદ બન્યા હતા.
ઈતિહાસમાં પહેલી વખત એવુ થયું હતુ કે વિપક્ષને કુલ બેઠકની ૧૦ ટકા કરતા પણ ઓછી બેઠક મળી હતી. માટે સત્તાવાર રીતે કોઈને પણ લિડર ઑફ ધ ઑપૉઝિશન (વિરોધપક્ષના નેતા)નું પદ આપવામાં આવ્યુ ન હતું. આઝાદી પછી કોંગ્રેસને સૌથી ઓછી ૪૪ બેઠક મળી હતી. કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જૂન બિનસત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતા તરીકે સંસદમાં વર્ત્યા હતા.
૧૬મી લોકસભામાં સૌથી વધુ ૧૫.૩૬ ટકા (૮૦) સાંસદો ઉત્તર પ્રદેશના હતા. મેઘાલય, મિઝોરમ, સિક્કીમ અને નાગાલેન્ડ એક-એક સભ્ય (૦.૨૦ ટકા) ધરાવે છે.
મહિલા અનામત થિયરીમાં સારી લાગે, કોઈ પક્ષ તેનો પ્રેક્ટિકલી અમલ કરવા માંગતો નથી. માટે ૮૭.૫૫ ટકા સાંસદ પુરુષ હતા. ૧૨.૪૫ ટકા (એટલે કે ૬૫) સાંસદ મહિલા હતી.
૫૪૨માંથી ૩૩.૬૮ ટકા સાંસદો સામે ગંભીર ગુના નોંધાયેલા હતા. ૧૩.૪૭ ટકા સામે ગંભીર ન કહી શકાય એવા ગુના નોંધાયા હતા.
૧૬મી લોકસભામાં કુલ ૩૧૨ બેઠક (સિટિંગ) થઈ હતી. એમાંથી સરેરાશ સાંસદો ૨૨૧માં હાજર રહ્યા હતા. દિલ્હીના સાંસદો સૌથી વધુ ૨૮૯ સિટિંગમાં હાજર હતા. નાગાલેન્ડના ૨ સાંસદ સૌથી ઓછા ૮૮ સિટિંગમાં પહોંચી શક્યા હતા.
૧૬મી લોકસભામાં ૮ સભ્યો એવા હતા, જેની ઉંમર ૮૦ વર્ષથી વધારે હતી. એ પછી ૭૧થી ૮૦ વર્ષ વચ્ચેના ૫૩ સાંસદ, ૬૧થી ૭૦ વચ્ચેના ૧૬૧ સાંસદ, ૫૧થી ૬૦ વચ્ચેના ૧૬૪ સાંસદ, ૪૧થી ૫૦ વચ્ચેના ૧૦૩ સાંસદ અને ૪૦થી નીચેના હોય એવા ૪૬ સાંસદ હતા. સૌથી ઉંમરલાયક ૯૧ વર્ષના અડવાણી હતા.
એ પછી દૈવગોડા (૮૫ વર્ષ), મુરલી મનોહર જોશી (૮૫), ભૂવનચંદ્ર ખંડુરી (૮૪), ગુજરાતના લીલાધર વાઘેલા (૮૪).. વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી વિજેતા થયેલા પ્રવિણકુમાર નિષાદની ઉંમર ૩૦ વર્ષ છે, માટે એ સૌથી યુવા સાંસદ હતા. એ રીતે હિસારના સાંસદ દુષ્યંત ચૌટાલા પણ ૩૦ વર્ષના હતા.
૧૬મી લોકસભામાં કુલ મળીને ૨૭૩ બિલ રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૪૦ પાસ થયા હતા. ૧૦ બિલ પાછા ખેંચાયા હતા, જ્યારે ૨૩ પેન્ડિંગ રહ્યા છે.
૫૪૨માંથી ૪૪૩ (૮૨ ટકા) સાંસદો પાસે એક કરોડ કે તેનાથી વધુની સંપત્તિ હતી. દરેક સાંસદની સરેરાશ સંપતિ ૧૪.૭ કરોડ નોંધાઈ હતી
દરેક સાંસદને પોતાના મત વિસ્તારના વિકાસ માટે રૂપિયા ૨૫ કરોડનું ફંડ મળતું હોય છે. ઘણા સાંસદો એટલા બધા આળસુ હોય છે કે પોતાના મત વિસ્તાર માટે એ રકમ ખર્ચી શકતા નથી. એટલે ૧૬મી લોકસભા પૂરી થઈ ત્યારે કુલ મળીને મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ (એમપીએલએડી)માં ૧૭૩૪.૪૩ કરોડની રકમ વપરાયા વગરની પડી રહી હતી! તો પણ ૯૧.૮૪ ટકા ફંડ વપરાયુ હતું. દરમિયાન ન વાપરી શકનારા સાંસદોમાં ખુદ નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. એમના ફંડમાં પણ ૨.૨૭ કરોડની રકમ જમા બોલે છે!તો ગુજરાતના બધા સાંસદોએ મળીને ૫૩.૯૮ કરોડની રકમ વાપરી નથી.
સરેરાશ સાંસદે પાંચ વર્ષ દરમિયાન ૧૬મી લોકસભામાં ૨૫૧ સવાલ પૂછ્યા હતા. નાગાલેન્ડના બે સાંસદોએ માત્ર ૨-૨ સવાલ જ કર્યા હતા.
લોકસભાના ૧૩ ટકા સાંસદો મેટ્રીક સુધી પણ ભણ્યા ન હતા. ૧૦ ટકા મેટ્રિક પાસ, ૪૧ ટકા ગ્રેજ્યુએટ, ૨૮ ટકા પોસ્ટ-ગ્રેજ્યુએટ, ૬ ટકા ડોક્ટરેટ સુધી ભણ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CR5MhM
via Latest Gujarati News
0 Comments