- સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલૂક ફોરમે મહારાષ્ટ અને મધ્ય ભારતમાં ઓછી વર્ષાનો વરતારો આપ્યો હતો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તાઃ 27 એપ્રિલ 2019, શનિવાર
૨૦૧૯માં ભારત પર વરૂણદેવના ભીના ભીના આશીર્વાદ રહે તેવા સારા સમાચાર તો છે.આમ છતાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ અને મધ્ય ભારતનાં અમુક સ્થળોએ આ વરસનું ચોમાસું થોડુંક નબળું રહે તેવો વરતારો સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલૂક ફોરમના હવામાનશાસ્ત્રીઓએ કર્યો હોવાનું જાણવા મળે છે.
ગઇ ૧૮-૨૩ એપ્રિલ દરમિયાન નેપાળની રાજધાની કાઠમંડુમાં મળેલી સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલૂક ફોરમની બેઠકમાં આવી આગાહી કરવામાં આવી હતી.
સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલૂક ફોરમના હવામાનશાસ્ત્રીઓએ એવી આગાહી કરી હતી કે ૨૦૧૯નું ચોમાસુ ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં સામાન્ય રહેશે.ભારતમાં ચોમાસાનું આગમન નૈઋત્ય દિશામાંથી થાય છે.એટલે કે ભારતમાં મેઘરાજાની સવારી કેરળના સમુદ્રકાંઠેથી આવે છે.ત્યારબાદ દેશનાજુદા જુદા વિસ્તારમાં આગળ વધે છે.
આ ફોરમના હવામાનશાસ્ત્રીઓએ જોકે એવો સંકેત પણ આપ્યો હતો કે ૨૦૧૯માં દક્ષિણ પાકિસ્તાનનાં અમુક સ્થળોએ સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો છે.સાથોસાથ, પશ્ચિમભારતનાં દરિયાકાંઠાંનાં,મધ્ય ભારતનાં અને ઇશાન ભારતનાં કેટલાંક સ્થળોએ પણ સામાન્ય કરતાં થોડી ઓછી વર્ષા થાય તેવી શક્યતા છે.જોકે ભારતના બાકીના તમામ વિસ્તારોમાં ચોમાસુ સામાન્ય રહે તેવો વરતારો છે.
સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલૂક ફોરમના સંયુક્ત નિવેદનમાં એવો ઉલ્લેખ પણ છે કે ૨૦૧૯માં પશ્ચિમ ભારતમાં એટલે કે મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને કોંકણના સમુદ્રકાંઠાનાં અને તેની આજુબાજુનાવિસ્તારોમાં સામાન્ય કરતાં થોડી ઓછી વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો છે.
બીજીબાજુ ભારતીય હવામાન ખાતાના(મુંબઇ)ના સિનિયર વિજ્ઞાાની એસ.જી.કાંબળેએ ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ૨૦૧૯નું ચોમાસુ ભારતમાં સામાન્ય રહેશે.એટલે કે આ વરસે ભારત આખામાં ૯૬ ટકા જેટલી વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો છે જે પરિસ્થિતિ લગભગ સામાન્ય ચોમાસાની ગણાય છે.
ભારતમાં ચોમાસાનું આગમન ૧,જૂને થવાની કુદરતી પરંપરા રહી છે. હવે એ તબક્કે કુદરતી પરિબળોમાં કદાચ પર કોઇ ફેરફાર થયા હોય તો અમે નવેસરથી આગાહી કરીએ છીએ.વળી, ભારતીય હવામાન ખાતું ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા(ઇસરો)ના હવામાન વિશેના આધુનિક સેટેલાઇટ દ્વારા મળેલી ઇમેજીસના આધારે ચોમાસા ઉપરાંત અતિવૃષ્ટિ,દુકાળ જેવી પરિસ્થિતિ, વાવાઝોડું વગેરેની સચોટ આગાહી કરે છે.એટલે ૨૦૧૯માં પશ્ચિમ ભારતના અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ઓછી વર્ષા થશે એવી આગાહી કરવી ઘણી વહેલી ગણાશે.
હવામાનશાસ્ત્રી એસ.જી.કાંબળેએ ભારપૂર્વક કહ્યું હતું કે આમ આવી કોઇપણ બિનસરકારી સંસ્થા કે ફોરમ દ્વારા હવામાન વિશે થતી આગાહીને આધારભૂત ન ગણી શકાય.આવાં ફોરમ પાસે હવામાનની સચોટ આગાહી માટે કયાં અને કેવાં વૈજ્ઞાાનિક ઉપકરણો અને આધારભૂત માહિતી છે તે પર જાણવું જરૂરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IXaqyq
via Latest Gujarati News
0 Comments