પનામા પેપર કૌભાંડ : 22 દેશોએ ટેક્સચોરો પાસેથી 1.2 અબજનો દંડ વસૂલ્યો

નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019,બુધવાર

૨૦૧૬માં લીક થયેલા પનામા પેપરે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી હતી, આ પેપરને કારણે જ સેલિબ્રિટીથી લઇને મોટા નેતાઓ, કેટલાક દેશોના વડા પ્રધાનોની ટેક્સ ચોરી બહાર આવી હતી. આ ટેક્સ ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ જે તે દેશના આઇટી વિભાગો સક્રીય થઇ ગયા હતા અને આ ટેક્સચોરો પાસેથી ટેક્સ વસુલવાનું શરૂ કરી દીધુ હતું.

એક રિપોર્ટ અનુસાર આશરે ૨૨ જેટલા દેશોમાંથી પનામા પેપરમાં નામ આવ્યું હોય તેવા ટેક્સચોરી કરનારાઓ પાસેથી આઇટી વિભાગો દ્વારા આશરે ૧.૨ અબજ ડોલર ટેક્સ વસુલવામાં આવ્યો છે. 

ઇન્ટરનેશનલ કંસોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇસીજે)એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે આ ટેક્સ વસુલીથી બ્રિટનને ૨૫.૩ કરોડ ડોલર, ફ્રાંસને ૧૩.૬ કરોડ ડોલર અને ઓસ્ટ્રેલિયાને ૯.૩ કરોડ ડોલરનો ફાયદો થયો છે, આ દેશોએ આટલી રકમનો ટેક્સ પનામા પેપર સંલગ્ન લોકો પાસેથી વસુલ્યો છે.

જર્મનીના એક અખબાર સ્યૂજ ડોયચે જેઇડૂંગે જણાવ્યું હતું કે ટેક્સ સંબંધી મામલાઓમાં જર્મનીને ૧૮.૩ કરોડ ડોલર મળ્યા છે. આ અખબારને પનામાની એક કંપની મોસ્સાક ફોન્સેકાના દસ્તાવેજો મળ્યા હતા. જેના પર બાદમાં તપાસ કરવામાં આવી હતી અને આ રિપોર્ટ પબ્લિશ થયો હતો. 

જોકે પાકિસ્તાનમા પનામા પેપરમાં નામ આવતા નવાઝ શરીફે વડા પ્રધાન પદ ગૂમાવ્યું હતું જ્યારે અન્ય કેટલાક દેશના વડાઓએ પણ નામ આવતા ફસાયા હતા. ભારતમા હજુ આ મામલે તપાસ કાચબા ગતીએ ચાલી રહી છે અને હજુસુધી કોઇ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી. વિશ્વભરના આશરે ૧૦૦ જેટલા મીડિયાએ આ પેપરનું ઇન્વેસ્ટિગેશન કરીને રિપોર્ટ પ્રકાશીત કર્યો ત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઇ હતી, આશરે ૧૪૦ જેટલા રાજનેતાઓ, ફૂટબોલ સ્ટાર્સ, અબજોપતિઓના નામ ખુલ્યા હતા. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ic0v82
via Latest Gujarati News

Post a Comment

0 Comments