અલ નીનો ઇફેક્ટઃ નબળું ચોમાસું, રેકોર્ડબ્રેક ગરમીની ચેતવણી

નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019,બુધવાર

ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ઠંડી પડયા બાદ ઉનાળાની શરૃઆતથી જ તાપમાનનો પારો પણ રેકોર્ડ તોડવાની હરિફાઇમાં હોય તેમ જણાઇ રહ્યુ છે. બે દિવસ પહેલા હવામાન વિભાગે દેશભરમાં હીટવેવની ચેતવણી આપી તે પહેલા જ વિવિધ સ્થળો પર માર્ચમાં સામાન્યથી ઘણું વધારે તાપમાન નોંધાયુ હતું. ઉપરાંત આ ઉનાળામાં ભયંકર ગરમી પડવાની આગાહી પણ આપવામાં આવી છે. આ વર્ષે તાપમાન કદાચ આગળના બધા રેકોર્ડ તોડે તો નવાઇ નહીં. ત્યારે આ બધા વચ્ચે વધું એક માઠા સમાચાર આવ્યા છે. આ વર્ષે ચોમાસુ પણ નબળુ રહેવાની સંભાવના છે. 

હવામાન અંગેની આગાહી કરતી ભારતની અગ્રણી પ્રાઇવેટ કંપની સ્કાયમેટ દ્વારા ચાલુ વર્ષેે સામાન્ય કરતા પણ ઓછો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. 

હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ આ વર્ષે એલપીએના ૯૩ ટકા જેટલો વરસાદ પડશે. એલપીએનો અર્થ લોંગ પિરીયડ એવરેજ થાય છે. એટલે કે ૧૯૫૧થી ૨૦૦૦ વચ્ચે પડેલા વરસાદની સરેરાશ, જે ૮૯ સેમી છે. એલપીએના ૯૬ ટકાથી ૧૦૪ ટકા સુધીના વરસાદને સામાન્ય ગણવામાં આવે છે.

એજનસી પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના ૫૫ ટકા છે.ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં નબળા ચોમાસાની શક્યતા બતાવવામાં આવી રહી છે. સ્કાયમેટના સીઇઓ અનુસાર પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય કરતા વધારે છે. આ વર્ષે નબળા ચોમાસા માટેનું મુખ્ય કારણ અલ-નીનો હશે.

જો આ અનુમાનો સાચા થયા તો દેશમાં કૃષિ અને આર્થિક વ્યવ્થા પર વ્યાપક અસર થશે. કૃષિપ્રધાન દેશ ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે. નબળા ચોમાસાની સીધી અસર ગ્રામીણ લોકો તેમજ ગ્રામીણ અર્થવ્યવસ્થા પર થશે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં ગયુ ચોમાસુ પણ નબળુ હતું.

તેવા સમયે આ વર્ષે પણ જો વરસાદ ઓછો હશે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે. ઉપરાંત દેશભરમાં પાણીની સમસ્યા પણ સર્જાશે. જો કે, હવામાન એજન્સી સ્કાયમેટનો આ રિપોર્ટ તેના જ આગળના રિપોર્ટની સાથે મેચ થતો નથી. ફેબપુઆરીમાં સ્કાયમેટે ચોમાસુ સામાન્ય રહેવાનું જણાવ્યું હતુ.

હાલમાં દેશના વિવિધ સ્થળો પર વધી રહેલા તાપમાનના આંકડાઓ જોતા ૨૦૧૯નું વર્ષ કદાચ ૧૯૯૧ બાદથી ૭મું સૌથી ગરમ વર્ષ સાહિત થાય તો નવાઇ નહી. એકલા કેરળમાં ૧ માર્ચ સુધીમાં ૨૮૮ સનબર્નના કેસ નોંધાયા છે. ઉપરાંત કેરળમાં  એક માસની અંદર ૪ વ્યક્તિના ગરમીના લીધે મોત થયા છે. ત્યાં તાપમાનનો પારો માર્ચમાં જ ૪૦ ડીગ્રીએ પહોંચ્યો છે.

તો  બેંગલોરમાં ઉનાળા દરમિયાન સામાન્ય તાપમાન ૨૬ સે. આસપાસ હોય છે, તેના બદલે ત્યાં ૩૭ ડીગ્રી નોંધાયું છે. આવી જ સ્થિતિ મુંબઇ અને ઉત્તર ભારતના શહેરોની છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે એપ્રિલ અને જુનમાં તાપમમાન સામાન્ય કરતા ૦.૫ સે. વધારે રહેશે. મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં તેની અસર વધુ જણાશે.

૨૦૧૮નું વર્ષ ૧૯૦૧ પછીના સૌથી ગરમ વર્ષોમાં છઠ્ઠા ક્રમે હતું . ૨૦૧૦થી લઇને ૨૦૧૮ સુધીમાં ભારતમાં ગરમીને લીધે ૬,૧૬૭ લોકોના મોત થઇ ચુક્યા છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે ઉનાળા દરમિયાન ૪૦ સે. આસપાસ એવરેજ તાપમાન જોવા મળશે. સામાન્ય રીતે ભારતમાં માર્ચ અને જુલાઇ વચ્ચે હીટવેવ જોવા મળે છે. જેના લીધે પાછલા કેટલાંક વર્ષોથી જનજીવન પર વ્યાપકપણે અસર થઇ રહી છે. ત્યારે આ વર્ષ પણ આવું જ સાબિત થવા તરફ જઇ રહ્યુ છે.

૨૦૧૯નું વર્ષ ભારતના લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે મુશ્કેલીભર્યુ રહેવાનો અણસાર છે. દેશનો ૪૨ % વિસ્તાર હાલ દુષ્કાળ ગ્રસ્ત છે. જેમાં એ ૬ % વિસ્તાર પણ છે જે વર્ષોથી દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. દુષ્કાળ પૂર્વેની આગાહી સિસ્ટમ (ડીઇડબલ્યુએસ) એ ૨૬ માર્ચ સુધીનો ડેટા આપ્યો છે. જે મુજબ આ સમસ્યા ભવિષ્યમાં વધુ વિકરાળ બની શકે છે. આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પૂર્વોત્તરનો કેટલોક વિસ્તાર, રાજસ્થાન, તામિલનાડુ અને તેલંગણામાં દુષ્કાળની સૌથી વધુ અસર દેખાઇ રહી છે. દેશની કુલ વસતીના ૪૦ ટકા લોકો આ રાજ્યોમાં રહે છે. 

કેન્દ્ર સરકારે હજુ સુધી કોઇ પણ વિસ્તારનેે અત્યારસુધી દુષ્કાળ ગ્રસ્ત જાહેર કર્યા નથી, પરંતુ ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડીશા અને કર્ણાટકની રાજ્ય સરકાર દ્વારા પોતાનો રાજ્યોના અમુક વિસ્તારોને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરાયા છે.

હજુ ચોમાસુ ઘણુ દુર હોય આવનાર બેથી ત્રણ મહિના મુશ્કેલીભર્યા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. સામાન્ય રીતે ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ૧૦થી ૨૦ ટકા વરસાદ થાય છે. પરંતુ ૨૦૧૮થી તેમાં પણ ૪૪ ટકાની અછત જોવા મળી રહી છે. વિષેષજ્ઞાોના માનવા મુજબ ૨૦૧૭ને છેડીને વર્ષ ૨૦૧૫થી જ ભારત દુષ્કાળનો સામનો કરી રહ્યુ છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી હવામાનમાં આવતા બદલાવો પાછળનું મુખ્ય કારણ અલ-નીનો ગણવામાં આવી રહ્યું છે. ૨૦૧૫મા થયોલો ઓછો વરસાદ અને ગયા વર્ષની ગરમી પાછળ પણ વૈજ્ઞાાનિકો અને હવામાન વિભાગ અલ-નીનોને જવાબદાર ગણાવે છે. પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન વધવાની ઘટનાને અલ-નીનો કહેવામાં આવે છે. જેની શરૃઆત મોટેભાગે ડીસેમ્બરના અંતમાં થાય છે.

પાછલા કેટલાંક વર્ષોથી પ્રશાંત મહાસાગરનું તાપમાન સતત વધી રહ્યું છે. જેના કારણે હવાઓની દિશા અને ગતિમાં ફેરફાર થઇ રહ્યો છે. હવામાનમાં થતા આ ફેરફારના લીધે પૂર, ગરમી, દુષ્કાળ વગેરે જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. ભારતના ચોમાસા પર આ અલ-નીનોની ગંભીર અસરો થઇ રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HV9jQb
via Latest Gujarati News

Post a Comment

0 Comments