કાશ્મીરમાં 22 અલગાવવાદીઓ સહિત 919 લોકોની સુરક્ષા પાછી ખેંચાઈ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે જમ્મુ કાશ્મીરના ૨૨ અલગાવવાદીઓ સહિત ૯૧૯ લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હોવાનું જણાવ્યું. સરકારના આ પગલાં દ્વારા દેશ વિરોધી ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોને સ્પષ્ટ અને આકરો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. 

જમ્મુ કાશ્મીરની સરકારે ૨૨ અલગાવવાદીઓ સહિત ૯૧૯ લોકોની સુરક્ષા પાછી ખેંચી છે. આ કારણે રાજ્યમાં પોલીસના ૨,૭૬૮ જવાનો અને ૩૮૯ વાહનો રાજ્ય વહીવટી તંત્ર અને સુરક્ષાના કામ માટે ઉપલબ્ધ થઈ શક્યા છે. કેન્દ્રીય  ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ૨૦ જૂન, ૨૦૧૮ના રોજ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરાયા બાદ લાયક ન હોય તેવા ૯૧૯ લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આ રીતે સરકારે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે આતંકવાદીઓ અને અલગાવવાદીઓ વિરુદ્ધ સરકારનું વલણ આકરું રહેશે અને તેમાં કોઈ ઢીલ નહીં ચલાવી લેવાય. 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ બાદ જમ્મુ કાશ્મીરની રાજ્ય સરકારે અયોગ્ય લોકોને અપાતી સુરક્ષા પાછી ખેંચવાનું પગલું ભર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ પર વધારે દબાણ લાવવાની શરુઆત કરેલી છે. કેન્દ્ર સરકારે આ નેતાઓની સુરક્ષા પાછી ખેંચવા ઉપરાંત અન્ય કડક પગલાં પણ લીધા છે. તે અંતર્ગત ૨૨ માર્ચના રોજ કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતા યાસિન મલિકના નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ(જેકેએલએફ) સંગઠન પર પણ પ્રતિબંધ જાહેર કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VtALHN
via Latest Gujarati News

Post a Comment

0 Comments