નોટબંધી વિશ્વનું સૌથી મોટુ કૌભાંડ, અનેકે જીવ ગૂમાવ્યો, મોદીએ પબ્લિસિટી માટે માને પણ બેંકની લાઇનમાં ઉભા રાખ્યા: શત્રુઘ્ન
અડવાણીની બ્લોગ પોસ્ટમાં દર્દ હતું, સ્માર્ટ સીટી છોડો ભાજપમાં એક વ્યક્તિને છોડી બીજી કોઇ સ્માર્ટ વ્યક્તિ બતાવો
ઇંદિરા ગાંધી જેવા વડા પ્રધાન ન કોઇ હતા અને ન થશે વાજપેયીએ પણ તેમને દુર્ગા માતા સાથે સરખાવ્યા હતા
નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર
અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિંહા ભાજપ છોડીને કોંગ્રેસ સાથે જોડાઇ ગયા છે, પટનાના સાંસદ શત્રુઘ્ન સિંહા ભાજપ અને મોદીની નીતીઓનો જાહેરમાં વિરોધ કરતા રહ્યા છે, જેને પગલે તેમને આ વખતે ભાજપે પટનાથી ટિકિટ નહોતી આપી અને આ બેઠક પર રવિ શંકર પ્રસાદને ટિકિટ આપી હતી.
જેને પગલે નારાજ શત્રુઘ્ન સિંહા આખરે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા, કોંગ્રેસે શત્રુઘ્નને તેમની પરંપરાગત બેઠક પટનાથી જ લોકસભાની ટિકિટ આપી છે. તેથી હવે આ બેઠક પર રવિ શંકર પ્રસાદ અને શત્રુઘ્ન સિંહા વચ્ચે ટક્કર જોવા મળશે.
શત્રુઘ્ન સિંહાએ કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપની નીતીઓની ફરી ટીકા કરી હતી સાથે મોદી પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લાદેલી નોટબંધી કદાચ વિશ્વનું સૌથી મોટુ કૌભાંડ છે. નોટબંધી લાગુ કરવાનો નિર્ણય મગજ વગરનો હતો, અનેક લોકો નોટબંધીમાં માર્યા ગયા અને ખુદ મોદીએ પબ્લિસિટી માટે પોતાની માતાને પણ બેંક અને એટીએમની લાઇનમાં ઉભા રાખ્યા હતા.
ભાજપના શત્રુ બની ગયેલા શત્રુઘ્ન સિંહાએ નોટબંધી ઉપરાંત અનેક મુદ્દાઓને લઇને કેન્દ્ર સરકાર અને મોદીને ઘેર્યા હતા.
શત્રુઘ્નએ જણાવ્યું હતું કે ઇંદિરા ગાંધી જેવા વડા પ્રધાન કોઇ થયા નથી અને થશે પણ નહીં, ખુદ અટલ બિહારી વાજપેયીએ પણ ઇંદિરા ગાંધીની સરખામણી દુર્ગા મા સાથે કરી હતી. નોટબંધી ઉપરાંત જીએસટી મુદ્દે પણ સરકારને ઘેરી હતી.
તેમણે જણાવ્યું હતું કે જીએસટી મુદ્દે સરકારે મનમોહનસિંહ પાસેથી કોઇ પણ પ્રકારનું મંતવ્ય પણ ન લીધુ અને લાગુ કરી દીધો, જીએસટીથી આમ નાગરીકો અને સૌથી વધુ નુકસાન ચાર્ટર્ડ અકાઉટન્ટને થયું હતું. ભાજપ હવે માત્ર વન મેન શો અને ટૂ મેન આર્મી બનીને રહી ગઇ છે. શત્રુઘ્નએ આ પ્રહારો મોદી અને અમિત શાહને ટાંકીને કર્યા હતા.
શત્રુઘ્નએ મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી હતી જેને ધીરે ધીરે તાનાશાહી તરફ જતી જોઇ છે મે,વચનો પુરા નથી કર્યા તે અંગે જ્યારે સવાલો ઉઠાવીએ તો ભાજપના નેતાઓ ગુસ્સે થઇ જાય છે. અડવાણીએ બ્લોગ લખ્યો, તમે વિચારો કેટલુ દર્દ હશે તેમની અંદર, ભાજપે વિરોધીઓને પોતાના દુશ્મન તરીકે જ જોયા છે જ્યારે અડવાણી વિરોધીઓને પોતાના પ્રતિસ્પર્ધી જ માને છે. સ્માર્ટ સિટી તો દુરની વાત છે ભાજપમાં એકને છોડીને બીજો સ્માર્ટ મેન બતાવી દો મને.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D1zTmu
via Latest Gujarati News
0 Comments