
(એપી) બેન્ઘાઝિ, તા.21 એપ્રિલ, 2019, રવિવાર
ટ્રિપોલિ પર કબજા માટે લિબિયાના પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે થઇ રહેલી લડાઇ છેલ્લા કેટલાક દિવસોમાં વધુ આક્રમક બની ગઇ હોવાનું, જાતે બની બેઠેલા લિબિયન નેશનલ આર્મિ (એલએનએ)ના પ્રવકતાએ ગઇકાલે જણાવ્યું.
એલએનએએ અગાઉ આ મહિનાના પ્રારંભે પાટનગરને આંચકી લેવા માટે પ્રચંડ લશ્કરી હુમલા જાહેર કર્યા ત્યારથી સૈનિકો અને નાગરિકો મળીને ૨૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ફિલ્ડ માર્શલ ખલિફા હિફતારના નેતૃત્વમાં એલએનએ અને ટ્રિપોલિની સંયુક્ત રાષ્ટ્રસંઘ સમર્થિત સરકારના દળો વચ્ચે ગઇ તા.૫ એપ્રિલથી લડાઇ ફાટી નીકળી છે.
એલએનએના પ્રવકતા અહમદ અલ્મેસ્માટિએ પૂર્વમાં આવેલા શહેર બેન્ઘાઝિ ખાતે પત્રકારોને જણાવ્યું કે એમના દળો તથા દુશ્મન દળો વચ્ચે ભારે ટક્કર થઇ રહી છે.
હિફતારે આ મહિનાના પ્રારંભે કબજે કરેલા ટ્રિપોલિની દક્ષિણે આવેલા સ્વામિ અને અલ-અઝિઝિયા શહેરોમાં આ લડાઇ થઇ રહી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ સમર્થિત સરકાર સાથે જોડાયેલા લશ્કરી દળોએ ટ્રિપોલિના નૈઋત્ય ખૂણે આવેલા અલ્વાત્યા હવાઇ મથકે એરસ્ટ્રાઇક કરી હતી. ઘેરિયન શહેર પર પણ એરસ્ટ્રાઇક કરાઇ હતી.
ટ્રિપોલિમાં વસતા લોકોએ કહ્યું કે હિફતારના દળોએ નાનકડી પ્રગતિ અને લાભ પ્રાપ્ત કર્યા હોવાનું જણાય છે. એમણે કહ્યું કે રહેણાંક વિસ્તારોમાં લડાઇ ચાલી રહી છે. ટ્રિપોલિની દક્ષિણે થોડાક અંતરે, બંને પક્ષોએ ભારે ગોળામારો અને એરસ્ટ્રાઇકનો ઉપયોગ કર્યો હતો, એમ એમણે ઉમેર્યું.
લડાઇમાં નાગરિકો સહિત ૨૨૦ લોકો માર્યા ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતાનુસાર અન્ય ૧૦૬૬ લોકો ઘવાયા છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહની શરૃઆતમાં હિફતારને ફોન કરીને ત્રાસવાદ વિરોધી વલણને અમેરિકાનો ટેકો હોવાનો સધિયારો આપ્યો હતો. અમેરિકાએ લિબિયાના તેલસ્ત્રોતોને રક્ષવા માટે માર્શલ હિફતારે લીધેલા પગલાંને બિરદાવ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Po7PPb
via Latest Gujarati News
0 Comments