
(પીટીઆઇ) પટણા, તા.21 એપ્રિલ, 2019, રવિવાર
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાજપ પર, એમના પતિ લાલુ યાદવને ઝેર આપવાનું કાવતરૃં કરવાનો આક્ષેપ કર્યો છે. ભાજપે આક્ષેપને પાયાવિહોણો ગણાવી ફગાવી દીધો છે. ઘાસચારા કૌભાંડ કેસમાં ગુન્હેગાર ઠરવાથી રાંચી જેલમાં કેદ રખાયેલા લાલુ પ્રસાદ વિવિધ રોગોની સારવાર માટે રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ ખાતે સારવાર લઇ રહ્યા છે.
જો કેન્દ્ર, બિહારની રાજ્ય સરકાર અને ઝારખંડ લાલુની હત્યા કરવા માગતા હોય, જો તેઓ લાલુના સમગ્ર પરિવારની હત્યા કરવા માગતા હોય તો તેઓ એમ કરી શકે છે, પરંતુ એમની સરમુખત્યારીને તાબે થવાશે નહિં. એમ રાબડી દેવીએ એમના ટ્વીટર હેન્ડલ પર ગઇકાલે પોસ્ટ કરાયેલી એક મિનિટ લાંબી વિડિયો ક્લિપમાં જણાવ્યું.
જો લાલુ પ્રસાદ સાથે કંઇક પણ અજુગતું બનશે તો બિહાર અને ઝારખંડની પ્રજા સડકો પર આવી જશે એમ એમણે ઉમેર્યું. તેજસ્વી લાલુને મળવા માટે ગઇકાલે ગયો હતો, પરંતુ એને મળવા દેવાયો નહોતો. અગાઉ શનિવારે સામાન્યપણે ત્રણ વ્યક્તિઓને, લાલુને મળવા દેવાતા, જે સરમુખત્યાર સરકારના હુક્મના પગલે બંધ કરી દેવાયું છે, એમ રાબડી દેવીએ કહ્યું.
ઝારખંડના બિરસા મુંડા જેલ સત્તાવાળાઓએ કાયદો અને વ્યવસ્થાના નામે કેદી લાલુને મળવા માટે મુલાકાતીઓને જવા દીધા નહોતા.
જેલના નિયમો પ્રમાણે લાલુ દર શનિવારે રાંચી હોસ્પિટલમાં મહત્તમ ત્રણ મુલાકાતીઓને મળી શકે છે.
અગાઉ, ગઇ તા.૭ એપ્રિલે બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા તેજસ્વી યાદવે આક્ષેપ કર્યો હતો કે સરમુખત્યાર ભાજપ સરકારે એમને પડોશી રાજ્યમાં બંદીવાન લાલુને મળવા દીધા નહોતા. તેજસ્વીએ કહ્યું કે લાલુપ્રસાદ વિરૃધ્ધ કાવતરૃં ઘડાઇ રહ્યું છે. તેઓ બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહ્યા છે, પરંતુ એમની રૃમની દરરોજ તપાસ કરાય છે.
બિહાર ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું કે રાબડીદેવીના આક્ષેપો પાયાવિહોણા અને હાસ્યાસ્પદ છે. લાલુપ્રસાદના જીવને કોઇ જોખમ નથી. લાલુ નહિ, પરંતુ ચૂંટણીના બે તબક્કા પછી રાજદનું રાજકારણ માંદુ પડી ગયું છે. ચૂંટણીમાં મહાગઠબંધન બિલકુલ ધોવાઇ જવાનું છે. એમ આનંદે ઉમેર્યું. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઇ તા.૧૦ એપ્રિલે ચારા કૌભાંડ કેસમાં લાલુ યાદવની જામીન અરજીને ફગાવી દીધી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pjhwyo
via Latest Gujarati News
0 Comments