રેલવેના માથા પર રૂા. 2.21 લાખ કરોડનો ઝીંકાયેલો વધારાનો બોજો

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ, 2019, મંગળવાર

ડિસેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં રેલવે તંત્ર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ પૈકી ૨૦૫ પ્રોજેક્ટ્સ ઢીલમાં મુકાતા રેલવે તંત્રના માથે રૂા. ૨.૨૧ લાખ કરોડનો વધારાનો બોજો આવી પડયો છે.

વિવિધ ક્ષેત્રે કાર્યરત પ્રોજેક્ટસ અંગે હાથ ધરાયેલ એક અભ્યાસના તારણ મુજબ વિવિધ ક્ષેત્રના પ્રોજેક્ટસ તેના નિયત સમયની સરખામણીએ ઢીલમાં ચાલી રહ્યા હોવાનું જાહેર થયું છે. જે પૈકી રેલવે તંત્ર દ્વારા હાથ ધરાયેલ પ્રોજેક્ટ સૌથી વધુ ઢીલમાં પડયા છે.

ઉપલબ્ધ માહિતી મુજબ ડિસેમ્બર ૨૦૧૮ સુધી ઢીલમાં પડેલા આ પ્રોજેક્ટની કિંમત રૂા. ૧,૬૮,૧૧૬.૩૪ કરોડ હતી. પરંતુ, આ પ્રોજેક્ટ ઢીલમાં પડવાના કારણે હવે આ પ્રોજેક્ટ પાછળનો અંદાજિત માર્ચ રૂા. ૩,૮૯,૭૪૫.૯૭ આંકવામાં આવ્યો છે. આમ, ખર્ચમાં ૧૩૧.૮૩ ટકાનો વધારો થયો છે.

રેલવેને ૩૬૭ પ્રોજેક્ટમાં હાથ ધરાયેલ અભ્યાસ દરમિયાન જોવા મળ્યું હતું કે ૯૪ પ્રોજેક્ટનું કાર્ય એકથી માંડીને ૩૨૪ મહિના સુધી લેઈટ થવા પામ્યું છે.

રેલવે ઉપરાંત અન્ય ક્ષેત્રના પ્રોજેક્ટ પર નજર કરીએ તો, પાવર ક્ષેત્રે પણ પ્રોજેક્ટો ઢીલમાં પડવાના કારણે વધારાનો બોજો સહન કરવાનો વારો આવ્યો છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ પાવર ક્ષેત્રના ૯૫ પ્રોજેક્ટ્સમાંથી ૫૬ પ્રોજેક્ટ્સ બેથી માંડીને ૧૪૭ માસ સુધી ઢીલમાં મુકાયેલા છે.

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ/હાઈવે ક્ષેત્રને ૬૦૫ પ્રોજેક્ટમાંથી ૪૯ પ્રોજેક્ટ રૂા. ૧૫૦૦૦.૫૬ કરોડનો વધારાનો બોજો સહન કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની અસલ એટલે કે મૂળ કિંમત રૂા. ૨૯૬૫૪.૩૨ કરોડ હતી. પરંતુ, હવે તે પૂરા કરવા પાછળ રૂા. ૪૪૬૫૪.૮૮ કરોડનો ખર્ચ થશે. આ ક્ષેત્રના ૧૧૨ પ્રોજેક્ટ એકથી માંડીને ૧૩૧ માસ સુધી ઢીલમાં મુકાયા છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WaFQoI
via Latest Gujarati News

Post a Comment

0 Comments