મુંબઈ, તા. 23 એપ્રિલ, 2019, મંગળવાર
છેલ્લા કેટલાક મહિનાઓથી સોયાબીન તથા મકાઈ જેવા કૃષિ પ્રોડકટસના મળી રહેલા ઊંચા ભાવને કારણે કપાસના ખેડૂતો આવનારી ખરીફ મોસમમાં આ પાકો તરફ વળવા યોજના ધરાવી રહ્યા છે. કપાસના ભાવ ઘણાં જ વોલેટાઈલ રહ્યા છે અને તેનો સરેરાશ મન્થલી મોડેલ ભાવ છેલ્લા એક વર્ષમાં થોડાઘણાં મહિનાને બાદ કરતા ટેકાના ભાવથી નીચે બોલાઈ રહ્યા છે.
૨૯.૫૦-૩૦.૫૦ એમએમ રો કોટનના ટેકાના ભાવ જે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૪૫૦ નિશ્ચિત કરાયા છે તે હાલમાં ડિસ્કાઉન્ટમાં બોલાઈ રહ્યા છે. જ્યારે આની સામે મકાઈ તથા સોયાબીનના સરેરાશ ભાવ છેલ્લા એક વર્ષથી ટેકાના ભાવથી ઊંચા બોલાઈ રહ્યા છે.
વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય રહેવાની ભારતીય વેધશાળાની આગાહી છતાં ખેડૂતો દ્વારા પાકની પસંદગીનો આધાર ચોમાસું કેવી પ્રગતિ કરે છે તેના પર વધુ રહેશે. પાછલા વર્ષમાં જે પાકમાં વધુ વળતર મળ્યું હોય તે પાકની જ વાવણી ખેડૂતો વધુ કરતા હોય છે.
ગયા વર્ષમાં મકાઈ અને સોયાબીનના ભાવ નોંધપાત્ર ઊંચા મળ્યા હતા, જેને લઈને ખેડૂતો કપાસના પાક પરથી આ પાક તરફ વળે તેવી શકયતા જોવાઈ રહી છે, એમ સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
૨૦૧૮-૧૯ની મોસમ માટે સોપાએ સોયાબીનનો ઉત્પાદન અંદાજ ૧.૧૪ કરોડ ટન મૂકયો છે જે ગયા વર્ષની મોસમમાં ૯૬.૫૦ લાખ ટન નોંધાયું હતું. ઊંચા ઉત્પાદન છતાં ગયા સંપૂર્ણ વર્ષમાં સોયાબીનના ભાવ ઊંચા રહ્યા હતા.
ખાદ્ય તેલ પર આયાત ડયૂટીમાં વધારો કરાતા ભાવ ઊંચકાયા હતા. જો કે વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રારંભમાં તેમાં સાધારણ ઘટાડો કરાયો છે.
ભારત પોતાની ખાદ્ય તેલની કુલ માગમાંથી ૬૦ ટકા માગ આયાત દ્વારા સંતોષે છે. આ આયાત ખાસ કરીને ઈન્ડોનેશિયા, મલેશિયા તથા આર્જેન્ટિના ખાતેથી થાય છે.
કમોસમી વરસાદને કારણે મકાઈના પાકને નુકસાન પહોંચતા તેના ભાવમાં ઉછાળો આવ્યો છે. ડિસેમ્બર ૨૦૧૮ના અંતે મકાઈનો સરેરાશ ભાવ ટેકાના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૭૦૦ના ભાવ કરતા નીચે બોલાતા હતા તે હાલમાં વધીને રૂપિયા ૨૧૩૫ બોલાઈ રહ્યા છે, જે ટેકાના ભાવથી ૨૫ ટકા ઉપર છે એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dt8JFC
via Latest Gujarati News
0 Comments