સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની ફાર્મા નિકાસમાં 11 ટકાનો વધારો

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની  ફાર્મા નિકાસમાં ૧૧ ટકાનો વધારો

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ, 2019, મંગળવાર

ઉત્તર અમેરિકા તથા યુરોપ વિસ્તાર ખાતેથી વધેલી માગને કારણે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની ફાર્માસ્યૂટિકલ નિકાસ ૧૧ ટકા વધીને ૧૯.૨૦ અબજ ડોલર રહી છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં ફાર્મા નિકાસ ૧૭.૩૦ અબજ ડોલર રહી હતી. 

ભારતની ફાર્મા નિકાસમાંથી ૩૦ ટકા ઉત્તર અમેરિકામાં થાય છે. ત્યારબાદ આફ્રિકા તથા યુરોપિયન યુનિયનમાં અનુક્રમે ૧૯ ટકા અને ૧૬ ટકા થાય છે, એમ વાણિજ્ય મંત્રાલયના આંકડા જણાવે છે.

ભારતની દવાઓ માટે ચીનની બજારો પણ ખુલી રહી છે અને સરકાર આ બજારમાં સારો અવકાશ જોઈ રહી છે એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ભારતની દવાઓની માગ દક્ષિણ આફ્રિકા, રશિયા, નાઈજિરીયા, બ્રાઝિલ તથા જર્મની ખાતે પણ થાય છે અને તેમાં પણ વૃદ્ધિ જોવાઈ છે.

નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની ૩૩૧ અબજ ડોલરની કુલ નિકાસમાં ફાર્મા ક્ષેત્રનો હિસ્સો ૬ ટકા રહ્યો હતો. નિકાસ સેગમેન્ટમાં તે પાંચમાનું એક ક્ષેત્ર છે. ભારતના ફાર્મા ક્ષેત્રમાં જેનેરિક દવાઓનો હિસ્સો વધુ છે અને આવકમાં તે ૭૫ ટકા હિસ્સો ધરાવે છે. 

વિશ્વમાં જેનેરિકના પૂરવઠામાં ભારતનો હિસ્સો વીસ ટકા જેટલો છે, જેને કારણે તે વિશ્વમાં જેનેરિક દવાનો મોટો પૂરવઠેદાર દેશ છે. દેશની ૫૫ ટકા નિકાસ એકદમ નિયંત્રિત બજારોમાં થાય છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VXiRgZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments