શ્રીલંકામાં શ્રેણીબધ્ધ બોમ્બધડાકા બાદ ભારતમાં મરીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો

ચેન્નાઈ, તા. 23 એપ્રિલ, 2019, મંગળવાર

શ્રીલંકામાં ગત રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકા બાદ ભારતમાં મરીના ભાવમાં કિલો દીઠ રૂપિયા વીસનો ઉછાળો આવીને રૂપિયા ૩૨૦ પહોંચી ગયો છે. ભાવમાં વધુ ઉછાળો આવવાની શકયતા જોવાઈ રહી છે. શ્રીલંકા ખાતેથી  મરીની આયાત મંદ પડવાની શકયતાએ તેના ભાવમાં વધુ ઉછાળો જોવાઈ રહ્યો છે. 

બજારમાં મરીની આવક થવા પહેલા જ તેના ખરીદદારો માલનો સ્ટોકસ કરવા વેચાણકારો સાથે સોદા કરી રહ્યા છે, એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું. ૨૦૧૮માં મરીને ભાવ જે પ્રતિ કિલો રૂપિયા ૪૦૦ પહોંચી ગયા હતા તે વર્તમાન વર્ષમાં ઘટીને રૂપિયા ૩૦૦  સુધી આવી ગયા હતા પરંતુ શ્રીલંકાના બોમ્બધડાકા અને ત્યારબાદ ત્યાં જાહેર થયેલી કટોકટીએ મરીનો પૂરવઠો ખોરવી નાખ્યો છે. 

છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૧૫માં મરીના ભાવ રૂપિયા ૭૦૦ જેટલા ઊંચા જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદ શ્રીલંકા મારફત વિયેતનામ ખાતેથી મરીની આયાત વધતા ભાવ દબાયા હતા. સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ શ્રીલંકા ખાતેથી  આયાત કરાતા મરી પર આઠ ટકા ડયૂટી લાગે છે જયારે ૨૫૦૦ ટન્સ કવોન્ટિટી સુધી કોઈ ટેકસ નથી.

શ્રીલંકાના મરીના ટ્રેડરો વિયેતનામના મરીની ભારત ખાતે નિકાસ કરે છે. વિયેતનામના મરી પ્રતિ ટન ૨૫૦૦થી ૨૮૦૦ ડોલર બોલાય છે, જેનો પ્રતિ કિલોમાં ભાવ રૂપિયા ૨૦૦થી રૂપિયા ૨૨૦ થાય છે. કર્ણાટક પ્લાન્ટર્સ એસોસિએશનના એક સભ્યના જણાવ્યા પ્રમાણે, શ્રીલંકાના ટ્રેડર્સ વિયેતનામના મરીને શ્રીલંકાના મરી તરીકે વેચી રહ્યા છે.  આયાત કરાતા મરી શ્રેષ્ઠ કવોલિટીના નથી  હોતા પરંતુ તેને ભારતના મરી સાથે મિકસ કરી દેવામાં આવે છે અને  સ્વીકાર્ય એવી કવોલિટીમાં રૂપાંતર કરવામાં આવે છે. જેથી ભાવમાં સરેરાશ આવી શકે. 

હાલમાં શ્રીલંકા ખાતેથી આયાત લગભગ અટકી પડી છે જેને કારણે મસાલા ભરવાની મોસમમાં માગને પગલે ભાવમાં રૂપિયા ૨૦નો ઉછાળો આવ્યો છે અને હજુ વધુ વધારો તોળાઈ રહ્યો છે એમ સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી સ્થાનિક ખરીદદારો બે મહિના પછીની ડિલિવરી માટે આજના ભાવે સોદા કરી રહ્યા છે. ભાવમાં આવેલા અચાનક ઉછાળાથી પોતાને લાભ થશે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.  

ભારતમાં મરીના કુલ ઉત્પાદનમાંથી ૯૦ ટકા ઉત્પાદન કેરળમાં થતું હોવાનું પણ બજારના વર્તુળોએ જણાવ્યું હતું. દેશમાં મરીનું ઉત્પાદન ૬૦,૦૦૦ ટન્સ આસપાસ રહે છે, પરંતુ આ વર્ષે તે ઘટીને ૫૦,૦૦૦ ટન આસપાસ રહેવા ધારણાં છે.  



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Duo7lc
via Latest Gujarati News

Post a Comment

0 Comments