નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019,બુધવાર
સરહદે તંગદીલીનો માહોલ છે ત્યારે અમેરિકાએ ભારતને ૨૪ એમએચ ૬૦આર સીહોક હેલિકોપ્ટર વેચવાની મંજૂરી આપી દીધી છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ સમુદ્રમાં સુરક્ષા માટે કરવામાં આવશે. જેનો ખર્ચ આશરે ૨.૬ અબજ ડોલર આવશે.
સમુદ્રમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવા, ચાંચીઓ સામે અભિયાન, તસ્કરી રોકવી તેમજ આતંકીઓની સમુદ્રી માર્ગે થતી ઘુસણખોરી પર પણ નજર રાખવામાં મદદ મળશે. મંગળવારે ટ્રમ્પ પ્રશાસને અમેરિકન કોંગ્રેસને જણાવ્યું હતું કે ભારતને ૬૦ આર સીહોક હેલીકોપ્ટર વેચવાની મંજૂરી આપવામાં આવી છે.
આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે હેલિકોપ્ટરની મદદથી ભારત પોતાની સમુદ્રી સુરક્ષા કરી શકશે. હાલ સમુદ્રમાં ચીનની દાદાગીરી વધી રહી છે અને ધીરે ધીરે દક્ષીણ ચીન સમુદ્ર પર કબજો કરી રહ્યું છે આ ઉપરાંત ભારતની સમુદ્રી સરહદે પણ અનેક વખત ઘુસણખોરી કરી છે.
જ્યારે અન્ય એક પાડોશી દેશ પાકિસ્તાન સમુદ્રી માર્ગેથી આતંકીઓને મોકલીને મુંબઇ હુમલા જેવા કોઇ હુમલાને અંજામ આપવાની ફિરાકમાં રહેતુ હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ જે હેલિકોપ્ટરને વેચવા માટેની અનુમતી આપી દીધી છે તેને પગલે સમુદ્રી સુરક્ષા કરવામાં મદદ મળશે. જોકે આ ડીલથી ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર જે હેલિકોપ્ટર ખરીદવામાં આવશે તેની ક્ષમતા હાલના હેલિકોપ્ટર કરતા વધુ હશે અને તેનો ઉપયોગ યુદ્ધમાં, રેસ્ક્યૂ ઓપરેશનમાં, માલની હેરાફેરીમાં, સમુદ્ર પર ચાંપતી નજર રાખવા, પેટ્રોલિંગ માટે, દુશ્મનની ઘુસણખોરી નાકામ કરવામાં કે દુશ્મનના વાહનો તોડી પાડવામાં મદદરૃપ થશે. આ હેલિકોપ્ટરની અન્ય એક ખાશિયત એ પણ છે કે તે સમુદ્રમાં સબમરીન કે જહાજ તોડી પાડવામાં સક્ષમ છે.
આ હેલિકોપ્ટરોને દુનિયાના અતી આધુનિક હેલિકોપ્ટર માનવામાં આવે છે અને હાલ તેનો ઉપયોગ અમેરિકન નેવી પણ કરી રહી છે. આધુનિક સમયમાં અતી સક્ષણ હેલિકોપ્ટર માનવામાં આવે છે. સમુદ્રમાં પોતની મદદથી પણ તેને સંચાલીત કરી શકાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Us0aoa
via Latest Gujarati News
0 Comments