ભારતમાં ૪૨ ટકા વિસ્તારમાં વરસાદ પૂરતો ન થવાથી ખેતી પર વિપરીત અસર થઇ છે. ઇન્ડિયા સ્પેંડના અહેવાલમાં જણાવ્યા મુજબ અસરગ્રસ્ત ૪૨ અસરગ્રસ્ત વિસ્તારમાંથી ૬ ટકા ભાગ લાગલગાટ ૪ વર્ષથી અછતની સ્થિતિનો સામનો કરી રહયો છે. આ અંગે ડ્રોટ અર્લી વોર્નિગ સિસ્ટમના ૨૬ માર્ચ સુધીના આંકડામાં પણ જણાવવામાં આવ્યું છે.
દેશમાં અછતની વિકટ સ્થિતિ છતાં ચૂંટણી વર્ષ હોવાના કારણે નેતાઓ માત્ર ચૂંટણી પ્રચારમાં જ વ્યસ્ત છે. જો કોઇ નકકર પગલા ભરવામાં નહી આવે તો આગળ જતા પરીસ્થિતિ વિકરાળ સ્વરુપ ધારણ કરે તેવી શકયતા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા ખેડૂતો અને ગરીબોને ખૂબજ યાદ કરવામાં આવે છે પરંતુ આનાથી હાલમાં જે મુશ્કેલી પડી રહી છે તેના ઉકેલમાં કોઇ જ મદદ મળી રહી નથી. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમીલનાડુ, તેલંગાણા અને ઉત્તર પૂર્વના રાજયોના કેટલાક ભાગોમાં અછત જેવી સ્થિતિથી લોકો પરેશાન જોવા મળી રહયા છે. આ અસરગ્રસ્ત રાજયોમાં દેશની કુલ વસ્તીનો ૪૦ ટકા ભાગ એટલે કે ૫૦ કરોડ લોકો વસવાટ કરે છે. આમાંના કોઇ વિસ્તારને કેન્દ્ર દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ રાજય સરકારો દ્વારા પસંદ કરેલા જીલ્લાઓ અને તાલુકાને અસરગ્રસ્તની યાદીમાં મૂકવામાં આવ્યા હતા.
આ સમગ્ર પરીસ્થિતિ ઉભી થવાનું એક માત્ર કારણ ગત વર્ષ ૨૦૧૮નું નબળું ચોમાસું છે. મોન્સૂનની સિઝનમાં સમયાંતરે ખેતીના પાકોને જોઇએ તે પ્રમાણમાં પૂરતો વરસાદ ન થવાથી ખરીફ સિઝન બગડી હતી. સરેરાશ ઓછા વરસાદના કારણે નહેરો અને ડેમોમાં પાણીનો પૂરતો જથ્થો ના થવાથી રવી સિઝનમાં પણ ઘણા સ્થળોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નવાઇની વાત તો એ છે કે પોસ્ટ મોન્સૂન સિઝનમાં દેશમાં ૨૦ ટકા જેટલો વરસાદ થતો હોય છે તેમાં પણ ૪૪ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે દર એકાંતરા વર્ષે વરસાદની અનિયમિતાના પગલે જે અસરગ્રસ્ત સ્થિતિનો ખેડૂતોએ સામનો કરવો પડે છે તેનાથી પાક ઉત્પાદન પર માઠી અસર પડે છે. ભૂગર્ભ જળ સ્તરમાં ઘટાડો થવાથી પીવાના પાણીની પણ તંગી ઉભી થાય છે. આવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શહેર તરફ સ્થળાંતરનું પ્રમાણ વધી જાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHS9sD
via Latest Gujarati News
0 Comments