- ચેનલના લોગોમાં મોદીની તસવીર, આચાર સંહિતાનો ભંગ થઇ રહ્યો હોવાની કોંગ્રેસ અને આપની ફરિયાદ
નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2019, બુધવાર
ચૂંટણી પંચે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસેથી નમો ટીવી અંગે રિપોર્ટ માગ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ લોંચ થયેલા આ નમો ટીવી અંગે ફરિયાદો થવા લાગી હતી જેને પગલે ચૂંટણી પંચે આ પગલુ ભર્યું છે. આ ચેનલને 31મી માર્ચે લોંચ કરવામાં આવી હતી, લોકસભા માટે આચાર સંહિતા લાગુ થઇ તેના બે સપ્તાહ બાદ આ ચેનલ લોંચ કરાઇ અને તેના લોગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા છે, આ ચેનલ પોતાના પ્રચાર માટે જ લોંચ કરાવી છે. આ ચેનલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દેખાડવામાં આવે છે. મોદી હાલ રેલીઓમાં જે પ્રચાર કરી રહ્યા છે તેનુ પણ પ્રસારણ આ ચેનલ દ્વારા થાય છે. જેને પગલે આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. અને માટે આ મામલે કડક કાર્યવાહી કરી તાત્કાલીક આ ચેનલનું પ્રસારણ રોકવામાં આવે તેવી માગણી કોંગ્રેસે કરી છે. બીજી તરફ હવે ચૂંટણી પંચે માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસેથી આ ચેનલના જરુરી ડોક્યુમેન્ટ્સ માગ્યા છે, જે બાદ તે અંગે નિર્ણય લેવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ પણ આ અંગે ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે આ ચેનલ આચાર સંહિતાનો ભંગ કરી રહી છે તેમ છતા તેની વિરુદ્ધ કોઇ જ પગલા લેવામાં નથી આવી રહ્યા.
આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમને લાઇવ દેખાડવા બદલ દુરદર્શન વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ONZMLt
via Latest Gujarati News
0 Comments