(પીટીઆઈ) દાર્જિલિંગ, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા માટે એનડીએની સરકારને જવાબદાર ગણાવી હતી. આ હુમલા અંગે અગાઉથી જ ચોક્કસ ઈનપુટ મળી ગયા હોવા છતા ભાજપના સત્તાધીશોએ તેને નિષ્ફળ બનાવવા કોઈ પગલાં ન લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો.
દાર્જિલિંગના ચોક બજાર વિસ્તારમાં એક જનમેદનીને સંબોધિત કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપના શાસનમાં દેશની સ્વતંત્રતા અને બંધારણ જોખમમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પુલવામા હુમલા અંગે અગાઉથી જ માહિતી હોવા છતા તેઓ તેનો સામનો કરવામાં અસફળ રહ્યા હોવાનો દાવો કર્યો હતો અને સમગ્ર બનાવ માટે મોદીને જવાબદાર ગણાવ્યા હતા.
આ ઉપરાંત તેમણે છેલ્લા પાંચ વર્ષમં ભાજપના શાસન દરમિયાન આતંકવાદના પ્રમાણમાં ૨૬૦ ટકાનો વધારો થયો હોવાનું જણાવ્યું. તેમણે દેશની સ્વતંત્રતા અને બંધારણ સંકટમાં હોવાનું કહીને લોકો ગાંધીજી, નેતાજી અને વિવેકાનંદના સિદ્ધાંતો ભૂલી ગયા છે તેવી ફરિયાદ કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ભગવા પાર્ટી દાર્જિલિંગની રાજકીય અસ્વસ્થતાનો ફાયદો ઉઠાવી રહી છે અને દાર્જિલિંગની ચૂંટણીમાં આગને હવા આપી રહી છે તેવો દાવો કર્યો હતો. તેમણે ભાજપના સંસદ સભ્ય એસ.એસ. આહલુવાલિયાએ દાર્જિલિંગ, કલિમપોંગ, કુરસિયોંગ અને મિરિક વિસ્તારોના વિકાસ માટે કોઈ કામ ન કર્યું હોવાનો અને ભાજપને આ પ્રદેશના વિકાસમાં રસ ન હોવાનું જણાવ્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gbwcvh
via Latest Gujarati News
0 Comments