આંધ્ર પ્રદેશમાં 30 ટકા ઇવીએમ ખરાબ, ખામીયુક્ત ઇવીએમવાળા બૂથો પર ફરી મતદાન કરાવો : ચંદ્રાબાબુ


આંધ્રમાં કુલ 45000 ઇવીએમમાંથી ફક્ત 345માં ખામી સર્જાતા તેને તરત બદલી નખાયા હતા : ચૂંટણી પંચ 

નવી દિલ્હી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે ૨૦ રાજ્યોની ૯૧ બેઠકો પર સવારે સાત વાગે મતદાન શરૃ થયું હતું. જો કે આંધ્ર પ્રદેશમાં મોટા પાયે ઇવીએમમાં ખામી સર્જાતા અનેક મતદારો કલાકો સુધી મતદાન કરી શક્યા ન હતાં અને મતદાન વગર જ પોતાના ઘરે પરત ફર્યા હતાં.

મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું છે કે લગભગ ૩૦ ટકા ઇવીએમ સવારે દસ વાગ્યા સુધી ચાલી રહ્યાં ન હતાં. તેમણે ચૂંટણી પંચ સમક્ષ અસરગ્રસ્ત મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાની માગ કરી છે. 

ચંદ્રાબાબુ નાયડુએ આ અંગેની લેખિત ફરિયાદ મુખ્ય ચૂંટણી અધિકારીને કરી છે. તેમણે ખામીયુક્ત ઇવીએમવાળા મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાનની માગ કરી છે. 

તેમણે આરોપ મૂક્યો હતો કે કેટલાક મતદાન કેન્દ્રોમાં લોકો ટીડીપીને મત આપી રહ્યાં છે પણ તે વાયએસઆરના ખાતામાં પડી રહ્યાં હતાં. નાયડુએ ચૂંટણી પંચને આવા પ્રકારની ફરિયાદો ગંભીરતાથી લેવાની માગ કરી છે.

મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ખામીયુક્ત ઇવીએમ ભલે બરાબર કરી લેવામાં આવ્યા હોય પણ સવારે જે મતદારો મતદાન કર્યા વગર પરત ફર્યા તે ફરીથી મતદાન માટે આવવાના ન હોવાથી આવા મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન કરાવવામાં આવેે.

જો કે મુખ્ય ચૂંટણી અધિકારી એ કે દ્વિવેદીના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશમાં કુલ ૪૫૦૦૦ ઇવીએમમાંથી ફક્ત ૩૪૫ ઇવીએમમાં ખામી સર્જાઇ હતી અને ખામીયુક્ત ઇવીએમને તરત જ બદલી નાખવામાં આવ્યા હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D8wwu4
via Latest Gujarati News

Post a Comment

0 Comments